અંજાર પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં થયેલી 14 જેટલી બાઇક ચોરીનો ઉકેલી લેવામાં આવ્યો હતો. જેમાં મેઘપર-બોરીચીમાં લાકડાના વેપારીને છરીના ઘા મારી હત્યા નિપજાવનારાઓએ જ આ બાઇકો ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો અંજાર પોલીસ દ્વારા રવેચીનગર મકાન નં.733 મેધપર-કું. તા.અંજાર મુળ કોટડા (ચકાર) તા. ભુજ-કચ્છ વાળો 22 વર્ષીય વિનોદગર નવીનગર ગોસ્વામીને એક નંબર વગરની કાળા કલરના હીરો હોન્ડા સ્પલેન્ડર બાઇક જેની આગળ પાછળની નંબર પ્લેટ લખેલ ન હોવાથી અંજાર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જે ચોરી કે છળ કપટથી મેળવી હોવાનું અનુમાન લગાવી બાઇકને કબ્જે કરીને વિનોદગરની અટકાયત કરવામાં આવી હતી.ત્યારબાદ આરોપી વિનોદગરની સધન પૂછપરછ કરતા પોતે તથા તેના મિત્ર રવેચી નગર, મેઘપર-કું. માં રહેતો રામકૂષ્ણ ઉર્ફે લાલો ગીરીજાશંકર વ્યાસે અંજાર, આદિપુર, મેઘપર(બો) તથા ભુજથી જુદી જુદી જગ્યાએથી છેલ્લા ત્રણેક મહિનામાં 13 તથા પોતે એકલાએ -1 એમ કુલ્લ-14 મોટર સાઇકલોની ચોરી કરી અલગ અલગ જગ્યાએ મુકી રાખી વેંચાણની તજવીજ કરતા હોવાની કબુલાત આપી હતી.આ ઉપરાંત પોતે તથા તેનો મિત્ર રામકૂષ્ણ ઉર્ફે લાલો ગીરીજાશંકર વ્યાસ તથા જાટાવડાનો રમેશ ઉર્ફે રામ ડાયાભાઇ ચૌહાણ તેમજ બેલા, તા. રાપરમાં રહેતો કાના વજા રજપુત એમ ચારેય જણાએ સાથે મળી મેઘપર-બો.ના રમેશચંદ્ર જયંન્તીલાલ ઠકકરને લુંટના ઇરાદે હુમલો કરી સોનાની ચેનની લુંટ કરી છરી મારી હત્યા નિપજાવી હતી. જે ચારેય પૈકી રમેશચંદ્રને છરી પોતે જાતે મારી હોવાની કબૂલાત પણ આપી હતી.પૂછપરછ દરમ્યાન આરોપી વિનોદગરે જણાવ્યું હતું કે તે કોઈ કામ ધંધો નથી કરતો અને મોજ શોખ અને મજા કરવા માટે જુદી જુદી જગ્યાઓ પર જઇ વાહનોના લોક તોડી ચોરી કરતા હોવાની કબૂલાત આપી હતી.