રાપરના ગેડી ગામના યુવકને પોતાના સમાજની છોકરી સાથે મૈત્રીસંબંધ રાખવા બદલ માર મારીને માફી મંગાવતી વાયરલ થયેલી વિડિયો ક્લિપને પોલીસ તંત્રએ ગંભીરતાથી લઈ માર મારનારી ત્રિપુટીને ઝડપી પાડી છે. ગેડી ગામના દરજી સમાજના યુવકને રબારી સમાજની છોકરી સાથે પકડી બંનેના સાથે ફોટો પાડી, માર મારી, ગાળો બોલી, મારી નાખવાની ધમકી આપતો અને માફી મંગાવતો વિડિયો તાજેતરમાં સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. જેને રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અને પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડે ગંભીરતાથી લઈ ભચાઉ ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલાને બન્ને સમાજ વચ્ચે કોઈ અણબનાવ ના થાય તેથી આરોપીઓને તાકીદે ઝડપી લેવા સૂચના આપી હતી. જેનાં પગલે રાપર પોલીસે ગેડીના ભોગ બનનાર યુવક દિનેશ કાનજી દરજીને શોધીને બે દિવસ અગાઉ તેની વિગતવાર પોલીસ ફરિયાદ નોંધી હતી. ફરિયાદના આધારે પોલીસે દિનેશને માર મારનારાં દેવાભાઈ બધાભાઈ રબારી (ઉ.વ.23), નાગજીભાઈ નારણભાઈ રબારી (ઉ.વ.22) અને રાજાભાઈ હરભમભાઈ રબારી (ઉ.વ.22)ની પોલીસે ધરપકડ કરી છે. ત્રણેય જણ કલ્યાણપરના રહેવાસી છે. આરોપીઓએ ગુનામાં વાપરેલી બે મોટરસાયકલ, એક મોબાઈલ ફોન અને એક લાકડી પણ પોલીસે કબ્જે કરી છે.