કચ્છની ભુજ બેઠકના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં તેમણે ભાજપમાં જૂથવાદ હોવાનો એકરાર કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એક દિવસ માટે ગઈકાલે સોમવારે કચ્છમાં આવ્યા હતા ત્યારે નીમાબેન દ્વારા આ લેટર સીએમને આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, એમએલએ નીમાબેનનો આ પત્ર તેમનાં નજીકનાં એવા અંગત મદદનીશ કહી શકાય તેવા મહિલા કાર્યકર દ્વારા સોશિયલ ગ્રૂપમાં મુકવામાં આવ્યો હતો. એટલે આ પત્ર જાણી જોઈને મુકવામાં આવ્યો છે કે ભૂલથી મુકાય ગયો છે એ વાત પણ હાલ તો કચ્છ ભાજપમાં ચર્ચાનો વિષય બની છે.કચ્છનાં રાજકારણમાં હંમેશા સામા પ્રવાહે ચાલીને પણ પણ સત્તા જાળવી રાખવામાં માનતા ભુજનાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યને જયારે છેલ્લે ભુજ ક્ષેત્ર માટે ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ભુજના સ્થાનિક નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. એટલે સ્વાભાવિક છે કે ભુજ ભાજપમાં કેવો જૂથવાદ છે તે બહેનને સારી રીતે ખબર હોય તેવી વાત ચર્ચાઈ રહી છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં નિમાબેને ભુજ શહેર તથા તાલુકામાં સંગઠનની રચના અંગે વાત કરવામાં આવેલી છે. જેમાં લેટરમાં સૌથી પહેલા જ ભુજ શહેરમાં ગ્રુપીઝમને કારણે ખૂબ જ નુકશાન થયી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ કયા કાર્યકરને કેમ સંગઠનમાં લેવા જોઈએ તે અંગે લખવામાં આવેલું છે. પત્રમાં તેમણે એવી પણ વાત લખી છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને બેવડી જવાબદારી ના સોંપવા માટે પણ આગ્રહ કર્યો છે. જેને કારણે બહેન કોને ટૂંકા કરવા માંગે છે એ વાત પણ કચ્છ ભાજપમાં હોટ ટોપિક બની છે.ભાજપમા જુથવાદની ચિંતા કરતા નીમાબેનનું પોતાનું એક મહિલાઓ તથા પુરૂષોનું આગવું જૂથ છે. જે નીમાબેન જ્યા જતા હોય ત્યાં સતત તેમની આસપાસ રહેતું હોય છે. રૂપાણીને લખેલો પત્ર વાઇરલ થયો છે તેમાં પણ તેમના મહિલા જૂથના કાર્યકર કમ પીએ એવા મૃદુલાબેન શેઠનું નામ આવે છે. સીએમને આપવાનાં આ પત્રની બીજી નકલ ન હોવાને કારણે મૃદુલાબેન દ્વારા નિમાબેનના પ્રચાર-પ્રસાર માટે બનવવામાં આવેલાં વોટ્સએપ ગ્રૂપમાં આ લેટર પોસ્ટ કરવામાં આવ્યો હતો. બહેન કાંઈ સમજે અને પત્ર પાછો ખેંચે તે પહેલા જ વાઇરલ થઈ જતા જે કાર્યકરોને નીમાબેન દ્વારા નિમણુંક કરવાની વાત કરવામાં આવી હતી અને તેમનું નામ આ લેટરમાં ન હોવાને કારણે તેઓ છેતરાયા હોય તેવા ચહેરા સાથે રોષ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.ઉલ્લેખનીય છે કે, ભાજપ ઉપરાંત જનતા દળ, કોંગ્રેસ તેમજ અપક્ષ તરીકે ચૂંટણી લડી ચૂકેલા પાવરફુલ એવા નિમાબેન માટે કહેવાય છે કે, તેઓ માત્ર પોતાની જ નહીં પરંતુ તેમની સામે વિપક્ષમાં કોને ટિકિટ અપાવવી તે પણ નક્કી કરાવી શકે એટલા મજબૂત મહિલા રાજકારણી છે.માત્ર એટલું જ નહીં પરંતુ જયારે ગુજરાતનાં મંત્રીમંડલમાં કચ્છમાંથી કોને સ્થાન આપવું તેની ચર્ચા ચાલતી હતી ત્યારે અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહીરનો પણ એક વિડિઓ વાઇરલ થયો હતો. જેને કારણે વાસણ આહીરને કેબિનેટમાં સ્થાન મળવા અંગે પ્રશ્નાર્થ ચિન્હ મુકાઈ ગયું હતું. જોકે ત્યારબાદ મંત્રીમંડળમાં સ્થાન તો વાસણભાઇને જ મળ્યું હતું. આ ઘટના વખતે શંકાની સોય નિમાબેનના તરફ ગયી હતી. આમ કચ્છ ભાજપનાં રાજકારણમાં અનેક અવરોધ છતાં સતત આગળ રહેલા નિમાબેન સિવાય અન્ય કોઈને જૂથવાદની વધારે ખબર કોને હોય તેવી ચર્ચા પણ ભાજપનાં કાર્યકરો કરી રહ્યા હતા