મનિષા ગોસ્વામી અગાઉ જયંતિ ભાનુશાલીના ભત્રીજાને બ્લેકમેઇલ કરી 10crની ખંડણી માંગી ‘તી

જયંતિ ભાનુશાળીના હત્યાના ચકચારી બનાવમાં 10 માસ બાદ આરોપી મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની એસઆઇટીએ યુપીના અલ્લાહબાદથી ધરપકડ કરી લીધી છે. આરોપી મનિષા ગોસ્વામીએ અગાઉ જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીને બ્લેકમેઇલ કરી 10 કરોડની ખંડણી માંગી હતી જે બાબતે અમદાવાદના નરોડા પોલીસ મથકે મનિષા અને તેના પતિ ગુજુગીરી ગોસ્વામી સહિત ચારથી 5 જણાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.મુળ કચ્છના નખત્રાણા તાલુકાના ધાવડા ગામની મનિષા જેતે વખતે પતિ સાથે વાપી રહેતી હતી. આ ચકચારી બનાવમાં સહીથી ચર્ચાસ્પદ નામ મનિષાનું રહયું છે. ભાનુશાળીની હત્યા જાન્યુઆરીમાં થઇ પરંતુ વિવાદ અગાઉથી ચાલ્યો આવતો હતો. 11 એપ્રિલ 2018ના જયંતિના ભત્રીજા સુનિલે નરોડા પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો નોંધાવ્યો હતો. તે પછી તારીખ 24 જુન 2018ના નરોડા પોલીસ મથકમાં જ આઇપીસી 465, 467નો ગુનો નોંધાણો 10 જુન 2018થી બે માસ મનિષા જેલમાં હતી જેના પગલે તેની ભાનુશાળી સાથે દુશ્મનાવટ થઇ હતી તેવું તારણ પોલીસ આપ્યું હતું. બીજી બાજુ સુરતના વરાસા ગામની યુવતીએ જયંતિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. આ બન્ને મામલે પડદા પાછળ સમાઘાન થયું હતું. એના ભાગ રૂપે ભાનુશાળીના ભત્રીજાએ જેલમાં બંધ મનિષા સામે કરેલી ફરિયાદ રદ કરાવી હતી. તો બીજીબાજુ સુરતની પીડીતાએ બીમારીનું કારણ હાજર કરી કોર્ટમાં નિવેદન આપ્યું ન હતું.