ભુજમાં દુકાનમા લાગી આગ,ફર્નિચર બળીને ખાખ

ભુજમાં મંગળવારે બપોરના અરસામાં અનમ રીંગ રોડ પર આવેલી એક દુકાનમાં આગની ઘટના બની હતી. જેમાં દુકાનનું ફર્નિચર સળગીને ખાખ થઇ ગયું હતું. ભુજ સુધરાઇના ફાયર વિભાગે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભુજમાં મંગળવારે બપોરે 2 વાગ્યે અનમરીંગ રોડ પર રાજ લક્ષ્મી ફર્નિચર બાજુમાં આવેલી ગલીમાં અચાનક રચના એક્રેલિક નામની દુકાનમાં આગ લાગી હતી. આગના આ બનાવના પગલે ભુજ સુધરાઇની ફાયર બ્રિગેડની બે ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ બન્ને ફાયર ફાઇટરોએ તાત્કાલીક આગ બુઝાવવાની કામગીરી કરી હતી. જેમાં ફાયરબ્રિગેડ ની ટીમના સચિન પરમાર, સાવન ગોસ્વામી, પ્રદીપ ચાવડા, સુનીલ મકવાણા, યશપાલ સિહ, મહેશ લોહરા જોડાયા હતા. આગના પગલે અન્ય દુકાનદારો પણ ભયમાં મુકાયા હતા.