ગત એપ્રિલ ૨૦૧૯ માં પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા સિઝ કરાયેલ કોલસાના જથ્થામાં આગ લાગતાં એકાદ લાખનું નુકસાન થયું હતું. જોકે, આ મુદ્દે આ કોલસાના જથ્થાના માલિકે વન વિભાગ સામે આક્ષેપો કરીને કોલસાની નુકસાની ચૂકવવા માટે માંગ કરતા ચકચાર જાગી છે. ભુજ માધાપર હાઇવે ઉપર કોલસાના વ્યાપારી જિગર પ્રવીણ ઠક્કરની માલિકીના અંદાજીત સાડા નવ લાખનો કોલસાનો જથ્થો વિભાગે ગેરકાયદેસર હોવાનું જણાવીને જપ્ત કરી આ વ્યાપારીના ઓપન ગોડાઉનમાં જ રાખ્યો હતો. પણ, તેમાં એકાએક આગ લાગતાં કોલસાનો અમુક જથ્થો બળીને રાખ થઈ જતાં વ્યાપારી જિગર ઠક્કરે વનતંત્રને આ માટે જવાબદાર ઠેરવીને વળતર ચૂકવવા માંગ કરી છે. જોકે, વનવિભાગે આ જવાબદારીમાંથી હાથ ખંખેરીને વ્યાપારી પાસે જ કોલસા કોલસા રખાયેલા હોવાનું જણાવ્યુ હતું. જોકે, વ્યાપારીના આક્ષેપો પછી કદાચ આ મુદ્દે કાયદાકીય જંગ ના એંધાણ વરતાઈ રહ્યા છે.