રાજ્યનું શિક્ષણ વિભાગ હવે શાળામાં અભ્યાસ કરતા બાળકો કુ-પોષણના શિકાર ન બને તેનું ધ્યાન રાખી રહી છે. બાળકોની તંદુરસ્તી જાળવી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, બાળકોને અઠવાડિમાં બે વખત વિટામિનથી ભરપૂર ફળ નાસ્તામાં આપવામાં આવશે. સરકારે આ નિર્ણય તો લીધો પણ મોંઘવારીની ગણતરી કર્યા વગર નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને સોમવારે અને ગુરુવારે નાસ્તામાં ફ્રૂટ આપવામાં આવે છે. પરંતુ બાળકોને ફૂટ આપવા માટે એક બાળક દીઠ એક રૂપિયો ફાળવવામાં આવે છે. હવે આ સમયમાં 1 રૂપિયાનું કયું ફ્રૂટ મળે છે અને શું એક રૂપિયાના ફ્રૂટથી બાળકની તંદુરસ્તી જળવાઈ રહેશે? એક રિપોર્ટ અનુસાર, રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસો પહેલા એક પરિપત્ર UDC વિભાગને મોકલવામાં આવ્યો હતો અને આ પરિપત્ર અનુસાર આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને ફ્રુટ આપવા માટે એક બાળક દીઠ માત્ર 1 રૂપિયો ફાળવવામાં આવ્યો છે હવે વિચાર એ કરવાનો કે, 1 રૂપિયાનું એવું કયું ફ્રૂટ આવે કે, જેનાથી બાળકોનું આરોગ્ય સારું રહે. માર્કેટમાંથી એક કિલો સફરજન લેવામાં આવે તો 80થી 100 રૂપિયાના કિલોના ભાવે તે મળે છે. આ પરિસ્થિતિમાં કેવી રીતે બાળકોને અઠવાડિમાં બે વાર એટલે કે, સોમવાર અને ગુરુવારે ફળનો નાસ્તો આપવો.આંગણવાડીમાં 30થી 35 બાળકો અભ્યાસ કરતા હોય આ બાળકોને ફ્રૂટ માટે 1 રૂપિયો મળે છે, તેથી કુલ 30થી 35 રૂપિયા ફાળવવામાં આવે છે અને આ પૈસાના કેળા લાવવામાં આવે તો 35 રૂપિયાના 15થી 16 નંગ કેળા આવે જે બાળકોને બેથી ત્રણ કટકા કરીને પ્રસાદીરૂપે આપવા પડે.