રાજ્ય સરકાર દ્વારા બાળકોના આરોગ્યની ચિંતા કરીને પ્રતિવર્ષ શાળા આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ ૨૫મી નવેમ્બર-૨૦૧૯થી થશે. જે 30મી જાન્યુઆરી-૨૦૨૦ સુધી ચાલશે. જેમાં મુંદરા તાલુકાના ૪૩૪૬૮ બાળકોને આવરી લેવાશે. તાલુકા આરોગ્ય અધિકારી ડો. ક્રિષ્નાબેન ઢોલરીયાની યાદીમાં જણાવ્યા પ્રમાણે આ કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી ૬ વર્ષના આંગણવાડીના ૧૧૮૯૪ બાળકો, ધો. ૧ થી ૮માં અભ્યાસ કરતાં ૨૫૭૭૧ તથા ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં ૫૫૫૯ વિદ્યાર્થીઓ (ખાનગી અને સરકારી), ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતાં ૧૧૨ બાળકો, મદરેસાના ૧૩૨ બાળકોને ‘ફોર ડી’ પ્રમાણે આરોગ્ય તપાસ અને આરોગ્ય પ્રદ સંસ્કાર-ટેવોનુ નિર્માણ કરી સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે મુંદરાના ૪૩૪૬૮ બાળકોને આવરી લેવાશે. બાળકોના આરોગ્ય તપાસની સાથેસાથે બાળકોને પોષણક્ષમ આહાર, સ્વચ્છ વાતાવરણ, સલામત પીવાનું પાણી, આરોગ્યપ્રદ ટેવોની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તેવા બહુવિધ હેતુસર ‘શાળા આરોગ્ય સપ્તાહ’ અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ સપ્તાહના કારણે ગામમાં એક આરોગ્યપ્રદ માહોલ ઉભો થશે અને ગ્રામકક્ષાએ કામ કરતા આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, પંચાયત, પાણી પુરવઠા વગેરે વિભાગોની સહભાગીતાને કારણે આરોગ્ય ઉત્સવનું નિર્માણ થશે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન ગ્રામ કક્ષાએ આરોગ્ય ક્ષેત્રે લોક જાગૃતિની પ્રણાલી શરૂ થશે.આ શાળા આરોગ્ય સપ્તાહ દરમિયાન ડોકટર્સ તેમજ પેરા મેડીકલ અને અન્ય સ્ટાફ મળી કુલ ૧૬૯૯નો સ્ટાફ કાર્યરત રહેશે. આ અભિયાન અંતર્ગત રાજયના બાળકોની આરોગ્ય તપાસ ઉપરાંત સ્થળ ઉપર સારવાર, જરૂર જણાયે સિવિલ હોસ્પિટલ કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરોની સંદર્ભ આરોગ્ય સેવા, ચશ્મા વિતરણથી માંડીને તંદુરસ્તી માટેનું જરૂરી એવું આરોગ્ય શિક્ષણ પણ બાળકોને આપવામાં આવશે તેમજ બાળકોને હ્રદય, કીડની અને કેન્સર જેવી ગંભીર બિમારીમાં ઝડપી સારવાર મળી રહે તે માટે ‘સુપર સ્પેશ્યાલીટી’ સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. શાળા આરોગ્ય કાર્યક્રમમાં બાળકોને ‘સુપર સ્પેશ્યાલીટી’ સારવાર ઝડપથી મળી શકે તે માટે જિલ્લા કક્ષાએથી જ મંજૂરી આપવાની સત્તા આપવામાં આવી છે. શાળા આરોગ્ય સપ્તાહ દરમિયાન બાળકના પરિવારમાં આરોગ્યપ્રદ ટેવોનું નિર્માણ થાય અને બાળકોને સંસ્કૃતિના સંસ્કાર મળે તે ઉદ્દેશથી ‘દાદા-દાદી’ અને ‘વાલી મીટીંગ’ યોજવામાં આવશે. જેના દ્વારા આપણા ઉજજવળ વારસા અને સંસ્કૃતિનું જ્ઞાન નવી પેઢીને મળી રહે તે માટે પ્રયાસો કરાશે. બાળકમાં દેશપ્રેમ સુદ્રઢ બનશે. આવી મિટિંગને કારણે સંસ્કારોની સાથે સાથે આરોગ્ય અંગે પણ બાળકમાં જાગૃતિ આવશે. જેથી તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ શકય બનશે.