ભુજ ખાતે જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઈ

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે જિલ્લાકક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી હતી.

નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશ મકવાણાએ આ પ્રસંગે ખેડૂતોને આજના સમયની માંગ મુજબ વૈજ્ઞાનિક સમજ તથા ટેક્નોલોજીના સમન્વયથી ખેતી કરવા આહવાન કરતા જણાવ્યું હતું કે,  વડાપ્રધાનશ્રી જ્યારે મુખ્યમંત્રી તરીકે ગુજરાતની ધુરા સંભાળતા હતા ત્યારે પણ ખેડૂતોની આવક વધે તેમજ ખેડૂતો વધુ સમૃદ્ધ બને તે ચિંતા સાથે તેમણે અનેક યોજનાઓ અમલી કરવા સાથે વર્ષ ૨૦૦૫-૦૬માં કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી. આજે કૃષિ મહોત્સવ ખેડૂતો માટે નવી ટેક્નોલોજી તથા માહિતીના કેન્દ્રસ્થાન બની ગયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સહિતની યોજનાઓ થકી કિસાનોને આર્થિક મજબૂતી બક્ષી છે, જેનો કચ્છના સેંકડો ખેડૂતો પણ લાભ લઇ રહ્યા છે. કૃષિ સાથે પશુપાલન પૂરક વ્યવસાય છે ત્યારે પશુપાલન માટે પણ સરકાર સહાય આપી રહી છે. કચ્છમાં નર્મદાના અવતરણ બાદ ખેતીક્ષેત્રે સિંચાઇનો પ્રશ્ન હલ થયો છે અને હજી જ્યાં નર્મદાના નીર નથી પહોંચ્યા ત્યાં રાજ્ય સરકાર છેક ખેતર સુધી સિંચાઇનુ પાણી પહોંચાડવા કટિબદ્ધ હોવાનું જણાવીને તેમણે બાગાયત ક્ષેત્રે અગ્રેસર બનેલા કચ્છ તથા અહીંના ખેડૂતોની મહેનતને બિરદાવી હતી. આ ટાંકણે તેમણે ઉપસ્થિતોને સ્વદેશી અપનાવવા તથા સ્વદેશીની જ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો.  

આ પ્રસંગે ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે ખેડૂતોને પરંપરાગત ખેતી પદ્ધતિ સાથે વૈજ્ઞાનિક જાણકારી સાથે પાક વાવેતર, જમીન સુધારણા સાથે પાણીની બચત હેતુ ટપકસિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ખેડૂતોને ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને આવકમાં વધારો કરી શકાય છે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે વડાપ્રધાનશ્રીના વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે અત્યારથી દરેક ક્ષેત્રે નાગરિકોને સહયોગ આપવા જણાવ્યું હતું. કચ્છમાં વરસાદની પેર્ટન બદલાઇ હોવાથી તેમણે ખેડૂતોને પણ નવા રીસર્ચ સાથે નવી પદ્ધતિ અપનાવવા જણાવીને ખેતી ખર્ચ ઘટાડી શકાય તે દિશામાં આગળ વધવા આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિકશ્રી ડો. જે.એમ.પટેલે કૃષિને કઇ રીતે નફાકારક બનાવી શ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ,

કાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂતોનું બહુમાન કરાયું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. જેની મહાનુભાવોએ મુલાકાત લઇને માહિતી મેળવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રાજ્યકક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ વરસાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી હરીભાઇ જાટીયા, તાલુકા પંચાયત સદસ્યશ્રી તુષારીબેન વેકરીયા, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડો. અનિલ જાદવ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે.ઓ.વાઘેલા, નાયબ બાગાયત નિયામકશ્રી મનિષ પરસાણીયા, નાયબ પશુપાલન નિયામકશ્રી આર.ડી.પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી દીક્ષિત ઠક્કર સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.