રાજ્યમાં જમીન રી -સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાશે: મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલની ખાત્રી

ગાંધીનગર સચિવાલય ખાતે રાજ્ય કક્ષાની કલેક્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ કોન્ફરન્સમાં પ્રજાના પ્રશ્નોના ત્વરીત ઉકેલ માટે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા.આ કોન્ફરન્સમાં રાજ્યના મહેસૂલ મંત્રી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં જમીન રી સર્વેની કામગીરીમાં જે વાંધાસૂચનો આવ્યા છે તેનો સત્વરે નિકાલ કરીને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવશે. મંત્રીશ્રીએ દબાણના સર્વેની કામગીરી ઝડપી કરાવવા કલેક્ટરોને સૂચનાઓ આપી છે.વિવાદીત જમીન સંદર્ભે એસઆઇટી (સીટના) કેસોનો ન્યાયીક ઝડપી નિકાલ લાવવા પણ કલેક્ટરોને સૂચનાઓ આપી દેવાઇ છે. તે ઉપરાંત સરકારી જમીનો પર ગેરકાયદે દબાણોના ગંભીર પ્રશ્નના નિરાકરણ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. રાજ્યના દરેક જિલ્લામાં કેટલી સરકારી જમીન પર કેટલું દબાણ છે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લાએ મોબાઇલ -જીપીએસના માધ્યમથી જીઓટેગીંગ પદ્ધતિ દ્વારા દબાણ સર્વેની કામગીરી મોડલરૂપ કરી હતી. આ પદ્ધતિથી રાજ્યભરમાં દબાણ સર્વે હાથ ધરાઇ રહ્યો છે. તે ઉપરાંત ડ્રોન સર્વે પણ કરાઈ રહ્યો છે. સરકારી જમીન પરનાં દબાણો દુર કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મંત્રી પટેલે ઉમેર્યું કે, મહેસૂલ પ્રક્રિયા અત્યંત સરળ અને પારદર્શી બનાવવાના ધ્યેય સાથે રાજ્ય સરકારે iORA-2.0નો અમલ કર્યો છે. ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે ત્યારે જમીનને લગતા કેસો સંદર્ભે પણ નાગરિકોને આના દ્વારા લાભો સત્વરે મળતા થાય એ માટે તમામ કલેકટરશ્રીઓને આ વ્યવસ્થાનો સત્વરે અમલ કરવા પણ આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો.