રાપર તાલુકાના આડેસર પાસે આવેલી ચેક પોસ્ટ ઉપર જીઆરડીના જવાન પર હુમલો કર્યા બાદ ચેકપોસ્ટની પોલીસ ચોકીને પંજાબી ટ્રક ચાલકો અને ક્લીનરોએ નુકશાન પહોંચાડી હોવાની ઘટના બાદ આડેસર પોલીસ મથકના પીએસઆઇ સહિત બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાના અણધાર્યા નિર્ણયથી પોલીસે માર પણ ખાધી અને નોકરી પણ ગુમાવી જેવો તાલ સીર્જાયો છે. તા.21/11 ના મોડી રાત્રે આડેસર ચેકપોસ્ટ પર જીઆરડીના જવાન બાબુ લખમણ ભટ્ટી સાથે સાત પંજાબી ટ્રક ચાલકો તથા ક્લીનરોએ માથાકુટ બાદ હથિયાર સાથે હુમલો કરી પોલીસ ચોકીને પણ નુકસાન પહોંચાડ્યું હતું તે સમયે હથિયારી કોન્સટેબલ મકનસિંહ વાઘેલા અને બિન હથિયારી કોન્સટેબલ અશોક સોલંકી ત્યાં હાજર હતા અને તેઓ સાબિતી માટે પોતાના મોબાઇલમાં આ ઘટનાનું શુટિંગ કરી રહ્યા હતા તેમના મોબાઇલ પણ પંજાબી ચાલકોએ લૂંટી લીધા હતા. આ બનાવ સમયે મોડી રાત્રે કાદરભાઇ નામના એક વ્યક્તિ પણ ત્યાં હતા અને તેમને પણ ઇજા પહોંચી હતી. આ ઘટનાના બે દિવસ બાદ જિલ્લા પોલીસવડા દ્વારા આડેસર પોલીસ મથકના પીએસઆઇ એન.વી.રહેવર, બન્ને કોન્સટેબલ મકનસિંહ અને અશોક સોલંકીને સ્પેન્ડ કરી દેવામાં આવ્યા, બનાવના દિવસે પીએસઆઇ રહેવર રજામાં હતા ત્યારે કદાચ એમ માની શકાય કે હથિયારધારી કોન્સટેબલનું હથિયાર હોવા છતાં કેમ સામનો કરી આરોપીઓને રોકવામાં ન આવ્યા એ વાત કદાચ ગંભીરતાથી લીધી હોવી જોઇએ અધિકારીએ તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. એસપી પરિક્ષિતા રાઠોડને પૂછતાં તેમણે આ બનાવમાં બેદરકારી દેખાતાં નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું હતું. આડેસર ચેકપોસ્ટ ઉપર પંજાબી ટ્રક ચાલકોએ કરેલા હુમલા બાદ એસપી સહિતના અધીકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ ઘટનામાં બીજા દિવસે પીએસઆઇ રહેવરને પુછતાં તેમણે હુમલો કરનાર છ થી સાત ચાલકો અને ક્લીનરોને અટક કરી લેવાઇ હોવાની વાતને સમર્થન પણ આપ્યું હતું ત્યારે કઇ બેદરકારીને કારણે આ આકરૂં વલણ અપનાવાયું એ તો ખાતું જ જાણે, હાલ આ આદેશથી પોલીસ બેડામાં ખામોશી છવાઇ ગઇ છે.