કચ્છના સાગરકાંઠેથી 13 માછીમારો સાથે બે બોટનું પાકે અપહરણ કર્યું

લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ આતંક મચાવીને ૨ ભારતીય માછીમારી બોટનું અપહરણ કરી જતા અરબસાગરમાં ભયનો માહોલ સર્જાયો હતો. સતાવાર રીતે મળતી માહિતી મુજબ મંગળવારના બપોરે ઓખાના ભીખલાણી રહીમાબેન સીદુની માલિકીની સૈયદ અલ મકધૂમ સિકંદર અને માંગરોળના મસાણી મહેન્દ્ર બાબુભાઇની માલિકીની બે બોટનું અપહરણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ઓખાની બોટમાં ૬ અને માંગરોળની બોટમાં ૭ એમ કુલ ૧૩ માછીમારોનું મંગળવારના બપોરના સમયે આઇએમબીએલ પાસે પાક મરીન બંદુકના નાળચે અપહરણ કરી ગઇ હતી.સૈયદ અલ મકધૂમ સિકંદર (ઓખા) અને નિલકંઠ (માંગરોળ) બંને બોટોનું અપહરણના સમાચાર વાયુવેગે પ્રસરતા માછીમારોમાં ભય જોવા મળ્યો હતો. જેમનું અપહરણ થયું છે તેમાં જીતુ સોમા, સોલંકી રમેશ પુંજા, ચાવડા શાન્તી સોમા, કાનજી કરશન, સોલંકી અશ્વીન કરશન, સોલંકી નરેન્દ્ર પરબત (રહે. તમામ દીવ) તેમજ નિલકંઠ બોટના સોલંકી હરજીવન લક્ષ્મણ (દીવ), વિલાસ મહાડુ કોંઢારી (પાલઘર), જીતેશ રઘુ દીવા (દહાણુ), ઉમેશ બાબુ દાવ્ત્ય (થાણે), જીતેશ જયવંત પચલકર (થાણે), જયવન્ત જના પચલકર (થાણે), અર્જૂન કાકડેનો સમાવેશ થાય છે.જખૌથી ઓપરેટ થતી એક બોટનો સંપર્ક થતો નથી તે બોટનું અપહરણ થયું છે કે અન્ય ખામીના કારણે સંપર્ક થતું નથી એ સ્પષ્ટતા ગુરૂવારે સવારે થઇ શકશે. બોટ સંપર્ક વિહોણી રહેતા તમામ એજન્સીઓ દોડી રહી છે.બોટના સંચાલકો દ્વારા પરવાનગી લઇને માછીમારી માટે જવાનું થતું હોય છે. નિલકંઠ બોટનો એક માછીમાર અર્જૂન કાકડેની કોઇ પરવાનગી જ લેવામાં આવી ન હતી. બોટ મૂવમેન્ટ બુકમાં પણ તેની કોઇ નોંધ ન હતી.