સામખિયાળી અને મેઘપર પાસે ટ્રેન હડફેટે બેના મોત

સામખિયાળી રેલવે સ્ટેશન પર વહેલી સવારે 5.45 ના અરસામાં પહોંચેલી બરેલી-ભુજ ટ્રેન નીચે પ્લેટફોર્મ ઉપરથી પડી જતાં 35 વર્ષીય પરપ્રાંતિય યુવાન કપાઇ ગયો હતો. બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવની તપાસ ચલાવી રહેલા રેલવે પોલીસના હેડકોન્સટેબલ મોહનભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મૃતક યુવાનના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડમાં તેનું નામ ગુડ્ડુકુમાર કીશુનધારી પંડિત લખેલું છે જે તેના હાથમાં પણ ત્રોફાવેલું છે તો તેના આધારકાર્ડમાં તેનું સરનામા ઉપરથી તે ઉત્તરપ્રદેશના ગોરખપુરનો હોવાનું જાણવા મળ્યું છે. તેના મૃતદેહનો કબજો મેળવવા તેના વાલી વારસદારોને ગાંધીધામ રેલવે પોલીસનો સંપર્ક કરવા અપીલ પણ કરાઇ છે. તો અંજાર તાલુકાના મેઘપર-બોરીચીમાં આવેલ રેલ્વે પુલ પાસે ટ્રેન હડફેટે અજાણ્યા આધેડનું મૃત્યુ થયું હતું.આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ આજે સવારે 7 વાગ્યાના અરસામાં અંજાર તાલુકાના મેઘપર-બોરીચી પાસે આવેલ રેલ્વે પુલિયા પાસે અંદાજીત 50 વર્ષીય અજાણ્યા આધેડનું ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ થયું હતું.