યુકેના 60 કચ્છીએ 2500 કિમી રીક્ષા ચલાવી,અઢી કરોડ રૂપીયા એકઠા કર્યા

વતન પ્રત્યે પ્રેમ વધુ રંગ લાવે છે,જ્યારે કોઈ વિદેશની સંસ્થા દેશમાં સેવાકીય પ્રવૃત્તિ માટે વિશિષ્ટ પ્રયોજન કરે. સેવા(યુકે)ના 90 સભ્યો,કે જેમાં 60 કચ્છીઓ હતા તેઓ ૩૦ રિક્ષામાં બહેરા મૂંગાની હોસ્પિટલ માટે કન્યાકુમારીથી કર્ણાવતી સુધીનો સાહસ પ્રવાસ ‘રીક્ષા રન’ પૂરો કરી ભુજ સ્વામીનારાયણ મંદિરે પુર્ણાહુતી કરી હતી.અઢાર મહિના અગાઉ લંડનમાં એક વિચાર સ્ફૂર્યો કે, વતનમાં કોઈ એવી સાહસયાત્રા કરીએ કે જેના ફંડમાંથી સેવા થાય અને કંઈક સામાજિક કાર્ય કરવાની લાગણી પણ સંતોષાય. આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘સેવા’ના યુકે સ્થિત સભ્યો દ્વારા એક વર્ષ અગાઉ ભારતમાં રીક્ષા દ્વારા પુનામાં કોકલોયા ઈમ્પ્લાન્ટના ફંડ રાઈઝીંગ પ્રોજેક્ટ યોજવાનું નક્કી કર્યું. 10 ડિસેમ્બરે કન્યાકુમારીથી આ સાહસયાત્રા શરૂ થઇ જેમાં 90 સભ્યો હતા, 26 મહિલાઓ સાથેના આ ગ્રુપમાં 60 કચ્છીઓ હતા. ૩૦ રીક્ષાની ખરીદી કરાઈ. આ સેવાકીય ગ્રુપ ભારતના 5 રાજ્યો પસાર કરી તારીખ 21 ડિસેમ્બરે કર્ણાવતી પહોંચ્યા. કેરળ,કર્ણાટક,ગોવા,મહારાષ્ટ્ર અને ગુજરાત એમ પાંચ રાજ્યમાં રીક્ષાથી કુલ્લ અઢી કિલોમીટર ડ્રાઈવ કરી. સાહસ યાત્રાની વિગત આપતા ભુજમાં પત્રકાર પરિષદમાં હરીશ ભુડીયાએ જણાવ્યું કે, આ 12 દિવસની જર્નીમાં ભારતમાં આ રીતે પ્રવાસ ખેડવાનો ખુબ આનંદ મળ્યો. પુના કોકલીયા ઈમ્પ્લાન્ટ માટે 4 કરોડ એકઠા કરવાનો અમારો હેતુ હતો. જેમાંથી અઢી કરોડ એકઠા થઇ ગયા છે. અમને આશા છે કે, નિશ્ચિત કરેલી રકમ ચોક્કસ પૂરી થઇ જશે. 90 સભ્યોમાં 26 મહિલાઓ હતી,જેમાં 12 થી 69 સુધીની વયના જોડાયા છે. એન.આર.આઈ. હોવાથી દેશમાં અઢી હજાર કિલોમીટર વાહન ચલાવવા કે પ્રવાસ દરમિયાન કોઈ કડવો અનુભવ થયો તેવું પૂછતા ગર્વ સાથે કહ્યું હતું કે, એકપણ જગ્યાએ તકલીફ નથી પડી. સુર્યકાન્તભાઈ જાદવાએ રમૂજ સાથે કહ્યું કે, માત્ર બે વખત પંકચર પડ્યું હતું. મોટેભાગે કચ્છી લેઉવા પટેલ હોવાથી એક અલગ જ કચ્છી માહોલ સર્જાયો હતો. માનકુવા, સુખપર,સામત્રા,ભારાસર વગેરે ગામના વાતની હતા. લીડર તરીકે સંજય કેરાઈ માર્ગદર્શન આપ્યું હતું.સેવા સંસ્થા યુકે દ્વારા યોજાયેલી ‘રીક્ષા-રન’માં ભાગ લેનાર મોટા ભાગના મૂળ ભારતીય વિદેશીઓએ રીક્ષા ચલાવી જ નહોતી. તેમને કન્યાકુમારીમાં ટ્રેનીંગ આપવામાં આવી. સમય મર્યાદાને કારણે માત્ર ૩ કલાક જેટલો સમય માંડ ટ્રેનીંગ માટે અપાયો હતો, અને ત્યારબાદ તરત જ ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હંકારવા નીકળ્યા હતા. જોકે, અમે બધી મહિલાઓ પણ ડ્રાઈવિંગ જાણતી હોવાથી રીક્ષા ચલાવતા શીખતા વાર નહોતી લાગી.દક્ષા કેરાઈ,યુકે એક વર્ષ સુ-આયોજન કર્યા બાદ 10 ડિસેમ્બરે રીક્ષા-રન શરૂ થઇ તે પહેલા જ સંસ્થાને પુના-કોકલીયા પ્રોજેક્ટ માટે 2 લાખ પાઉન્ડ (અંદાજે 1.80 કરોડ રૂપિયા) જેવી માતબાર રકમ દાન સ્વરૂપે મળી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાહસ પ્રવાસનો દરેક ખર્ચ સભ્યોએ પોતે ભોગવ્યો હતો. મતલબ આવનાર બધી જ રાશી સીધા પ્રોજેક્ટ માટે વપરાશે. આ પણ સભ્યોનું અનોખું દાન કહી શકાય, કે તેમણે માત્ર સમયનું નહિ, પણ ખર્ચ ન લઇ આર્થિક સહયોગ પણ આપ્યો હતો.