કંડલા પોર્ટ મધ્યે આઈએમસી ટર્મિનલ મધ્યે મિથેનોલ ભરેલ ટેન્કમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આ બનાવ ટાંકાની જાળવણીના કામ દરમ્યાન ટેન્ક વેલ્ડીંગ કરવા સમયે બન્યો હતો. ઇન્ડિયન મોલાસીસ કંપની (આઈએમસી) ની મિથેનોલ ભરેલી ટેન્કનું વેલ્ડીંગ કામ કંપનીના એક કર્મચારી અને ત્રણ કામદારો દ્વારા કરાઈ રહ્યું હતું. ત્યારે જ જોરદાર અકિલા ધડાકો થયો હતો. ધડાકાને કારણે ૧૭૦૦ ટન મોલાસીસ ભરેલ મહાકાય ટેન્કનો ઉપરનો ભાગ ઉખડી ગયો હતો. તે સાથે જ આ ટેન્કની જાળવણીનું કામ કરી રહેલ ચારેય પૈકી ત્રણ ધડાકા સાથેની આગમાં ભૂંજાઈ ગયા હતા. જયારે એક કામદાર ઊંચેથી ઉડીને છેક નીચે પટકાતાં તેનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજયું હતું. મૃતકોમાં કંપનીના કર્મચારી (૧) સંજય ઓમકાર વાદ્ય (ઉ.૫૦, રહે. કીડાણા, ગાંધીધામ), ખાનગી કોન્ટ્રાકટરના ત્રણ કામદારો ગાંધીધામ કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતા (૨) ૨૯ વર્ષીય સંજય સરજુ શાહુ, (૩) ૩૫ વર્ષીય દર્શન વૈજનાથ રાય, રેલવે ઝૂંપડપટ્ટીમાં રહેતા (૪) ૪૪ વર્ષીય ઓમપ્રકાશ મોહનલાલ રેહગરનો સમાવેશ થાય છે. મિથેનોલ જવલનશીલ કેમિકલ હોઈ ૧૭૦૦ ટન મિથેનોલ ભરેલ જમ્બો ટેન્કની આગ અને આ આગની ગરમી આજુબાજુ આવેલ અન્ય કેમિકલ ભરેલ ટેન્કોને નુકસાન ન પહોંચાડે તે માટે પ્રશાસન ખડે પગે રહ્યું હતું. કંડલામાં આગને પગલે થયેલ ધડાકાને પગલે નાસભાગ થયા પછી આખી રાત લપકારા લેતી આગે દહેશતનો માહોલ ખડો કર્યો હતો. કંડલા પોર્ટ વિસ્તારમાં આવી અનેક ટેન્કોમાં જવલનશીલ કેમિકલનો સંગ્રહ થતો હોઈ આગને વધતી અટકાવવા માટે સતત પ્રશાસન મહેનત કરી રહ્યું છે. ૧૭૦૦ ટન મિથેનોલ ભરેલ ટેન્કની આગ બુઝાવવા માટે આખી રાત થી આજ સવાર સુધી સતત ફોમ અને મિથેનોલનો મારો કરાઈ રહ્યો છે. ગઈકાલથી જ દિન દયાળ પોર્ટ ડીપીટીના હાર્બર માસ્ટર એફ.એસ. જાદવ, ટ્રાફિક મેનેજર તિરૂપાલમ સ્વામી, ચીફ ઈજનેર સુરેશ પાટીલ, સેક્રેટરી વેણુગોપાલ સોઢી, ફાયર ઓફિસર વર્ગીસ, સેફટી ઓફિસર ભાવેશ મઢવી, મુકેશ વાસી, પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણી, ડીવાયએસપી વાદ્યેલા, પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ દ્યટના સ્થળે દોડી ગયો હતો. જોકે, કંડલામાં ફરી એક વાર જોખમી રસાયણો ના સંગ્રહ અને સુરક્ષા સામે સવાલ સર્જાયો છે. તો, જોખમી કેમિકલનો સંગ્રહ કરતી કંપનીઓની સુરક્ષા માટેની બેદરકારી પણ ચર્ચાનો મુદ્દો બની છે.