ડીસા તાલુકાના રામસણ ગામે રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ ગામની લાઈટ બંધ કરી મંદિર સહિત નવ રહેણાંક મકાનોમાંથી કુલ રૃા. ૩,૬૧,૪૦૦ના માલમત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો ચમકારો વધતા જ તસ્કરો પણ સક્રિય બન્યા છે અને એક બાદ એક ચોરીને અંજામ આપી રહ્યા છે. પહેલા તસ્કરોે વાવ, થરાદ સહિતના સરહદી વિસ્તારને ટાર્ગેટ બનાવ્યો હતો. તે બાદ ડીસા તાલુકાના રામસણ ગામે પણ રાત્રીના સમયે તસ્કરોએ ગામમાં આવેલ મંદિર સહિત નવ રહેણાંક મકાનોને ટાર્ગેટ બનાવ્યા હતા. જોકે તસ્કરોએ આ વખતે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. જેમાં સૌ પ્રથમ તસ્કરોએ રામસણ ગામની તમામ લાઈટો બંધ કરી એક બાદ એક આમ કુલ નવ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે વહેલી સવારે લોકોને ચોરીની જાણ થતા જ સ્થાનિક પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જોકે ગામમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ તમામ ચોરીઓ પ્લાન મુજબ કરી હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગામમાં આવેલી તમામ લાઈટો બંધ કરી દીધી અને તે બાદ લાઈટ ઝબકારા મારતી રહી અને એક બાદ એક તસ્કરોએ ચોરીને અંજામ આપતા રહ્યા ત્યારે તસ્કરો પણ હવે તો અવનવા કીમિયા અપનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે પોીસ પણ આવી જ રીતે ટેકનોલોજી અપનાવી આવા તસ્કરોને તાત્કાલિક પોલીસ ઝડપી પાડે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. ગામમાં નવથી વધુ જગ્યાએ ચોરી થઈ છે ત્યારે પોલીસે ઘટનાસ્થળે આવી કાર્યવાહી શરૃ કરી છે. તો બીજી તરફ પોલીસે ગામમાં આવેલા કેટલાક સીસીટીવી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને ફુટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા માટેની તપાસ હાથ ધરી છે.ક્યાં કેટલી ચોરી થઈ ?(૧) કિરણકુમાર જયંતિલાલ ત્રિવેદી, રહે. રામસણ, રોકડા તેમજ સોનાચાંદીના દાગીના મળી કુલ રૃા. ૧,૯૪,૦૦૦ની ચોરી (૨) લાલાભાઈ તેજાજી ઘાંચીના ઘરમાં આવેલ મંદિરમાંથી માતાજીના દાગીના કુલ કિંમત રૃા. ૧૧,૪૦૦ની ચોરી (૩) શીવાભાઈ કાળુજી મોદીના ઘરમાં આવેલ મંદિરમાંથી માતાજીના દાગીના તથા રોકડ સહિત કુલ કિંમત રૃા ૫૦,૦૦૦ (૪) વિજયકુમાર નરોતમદાસ ત્રિવેદીના ઘરમાં આવેલ મંદિરમાંથી માતાજીના દાગીના તથા રોકડ સહિત કુલ કિંમત રૃા. ૧૯,૦૦૦ની ચોરી (૫) પોપટભાઈ હિંમતરામ વોરાના ઘરમાંથી સોનાચાંદીના દાગીના સહિત રૃા. ૫૭,૦૦૦ની ચોરી (૬) દિનેશકુમાર માંગીલાલ દરજી (સોલંકી)ના ઘરના મંદિરમાંથી માતાજીના દાગીના કિંમત રૃા. ૮૦૦૦ની ચોરી તેમજ (૭) શ્રીપાલસિંહ ભવાનસિંગ વાઘેલા અને (૮) ગુલાબસિંહ અર્જુનસિંહ વાઘેલાના ઘરમાં તસ્કરોએ તાળા તોડયા હતા. પરંતુ કોઈ ચોરી થવા પામી ન હતી. આમ કુલ કિંમત રૃા. ૩,૬૧,૪૦૦ના માલમતાની ચોરી કરી તસ્કરો ભાગી છુટયા હતા.