કચ્છને ફાળવાયેલા નર્મદાના નિયમિત પાણી અને વધારાના પાણીના મુદ્દે ગુજરાત સરકાર દ્વારા કરાતા અન્યાય બાબતે હવે કચ્છી માડુઓ લડત ચલાવશે. આ અંગે ભુજમાં કિસાનોની અને બૌદ્ઘિક નાગરિકોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત સરકાર દ્વારા નર્મદાને મુદ્દે ભ્રામક પ્રચાર કરાતો હોવાની અને જાહેરાતો તેમ જ વાસ્તવિક પરિસ્થિતિમાં ખૂબ જ અંતર હોવાની લાગણી વ્યકત કરાઈ હતી. નર્મદાના નિયમિત પાણી માટે ૨૦૦૬ માં કચ્છમાં ગુજરાત સરકારે કેનલનું કામ શરૂ કર્યું તે આજે ૧૪ વર્ષ દરમ્યાન માત્ર અંજારના ટપ્પર ગામ સુધી જ પહોંચ્યું છે. ખરેખર આ કેનાલ માંડવીના મોડકુબા ગામ સુધી જવાની છે. મૂળ કેનાલનું કામ હજી ૧૪ મા વર્ષે પણ અધૂરું છે. મૂળ આયોજન મુજબ કચ્છમાં નર્મદાની મુખ્ય કેનાલ તેમ જ પેટા કેનાલના કામો વહેલાં એક સાથે જ પુરા કરવાના હતા. પરંતુ હજી સુધી મુખ્ય કેનાલના ઠેકાણાં નથી, અધિકારીઓ આરટીઆઇ હેઠળ પણ કામ પૂરું કયારે થશે તેના જવાબો આપતા નથી. પેટા કેનાલોનું આયોજન, તેની ડિઝાઇન પણ પૂરતી તૈયાર નથી. આ કામ અંગે પણ અધિકારીઓ કંઈ કહેવા તૈયાર નથી. જોકે, સરકારે હજીયે પેટા કેનલોની વહીવટી મંજૂરી આપી ન હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ કરાયો હતો. વારંવાર દુષ્કાળનો ભોગ બનતા કચ્છના કિસાનો માટે નર્મદા યોજનાની શરૂઆત કરાઈ હોવા છતાંયે આજે કચ્છના કિસાનો નર્મદાના પાણીથી વંચિત છે. હવે, સરકારનું ધ્યાન દોરવા શ્નઙ્ગ ડહ્મ નર્મદા જળ અભિયાન સમિતિ’ ની રચના કરાઈ છે. જે અંતર્ગત કચ્છમાં નર્મદાના પાણી માટે લડત શરૂ કરાશે, અલબત્ત્। આ લડત ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક હશે. ગામે ગામ કિસાન સમિતિ દ્વારા લોકોને આ લડતમાં જોડવામાં આવશે. આ સમિતિના પ્રમુખ તરીકે જેન્તીલાલ શિવજી પોકાર, ઉપપ્રમુખ મણિલાલ વિરજી પટેલ, માવજી ગોવિંદ જાટિયા, મહામંત્રી અશોક મહેતા, મંત્રી વિરમ ગઢવી, જયેશ લાલકા, છગનભાઇ પરડવા, ખજાનચી ભગવાનભાઈ પાંચાણી, સહ ખજાનચી શામજીભાઈ મયાત્રા, ઉપરાંત નિયમિત પાણી સમિતિના કન્વીનર તરીકે શિવજી આહીર, વધારાના પાણી સમિતિના કન્વીનર તરીકે હંસરાજ કેશવાણીને જવાબદારી સોપાઈ છે. કચ્છમાં નર્મદાના પાણી માટેની આ લડતના આ પ્રશ્નને સરકારે ગંભીરતાથી લઈને તેને ઉકેલવાની દિશામાં નક્કર કાર્યવાહી કરવાની જરૂરત છે.