કચ્છમાં અલ્ટ્રાટેક કંપનીમાં મોબાઈલ લઈ જવાના મામલે ધમાલ- સ્ટાફ બસોને રોકી દેવાતા પોલીસ દોડી

કચ્છના અબડાસા તાલુકાના વાયોર ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં મોબાઈલના મુદ્દે થયેલી ધમાલને પગલે પોલીસ બોલાવાઈ હતી. આ અંગે કંપનીના સિકયુરિટી સુપરવાઈઝર અશોક બલવીરસિંગ ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર કંપનીમાં મોબાઈલના કારણે અકસ્માતના બનાવો વધતાં પ્લાન્ટમાં કામકાજ દરમ્યાન મોબાઈલ લઈ જવાની મનાઈ કરવામાં આવી હતી. આ અંગે નોટિસ પણ લગાવી આગોતરી જાણકારી આપી દેવાઈ હતી. દરમ્યાન અમુક ઠેકેદારો અને કામદારો મોબાઈલ લઈને આવતાં તેમને કામ પર આવવાની મનાઈ કરી દેવાતા સાતેક કામદારો અને એક ઠેકેદારે અન્ય કામદારોને અકીલા ઉશ્કેર્યા હતા. આ કામદારોએ મોબાઇલની મનાઈ ઉઠાવી લેવાની માંગણી સાથે સ્ટાફ બસોને રોકી દીધી હતી. સ્ટાફ બસોને રોકી દેવાતાં બોલાચાલી અને માથાકૂટ સર્જાઈ હતી. જેને પગલે પોલીસને જાણ કરાતાં આ મામલો વ્યાપક ઉશ્કેરણી સર્જે તે પહેલાંજ પોલીસ દોડી ગઈ હતી. ઉશ્કેરણી સર્જનાર કામદારો વિરુદ્ઘ પોલીસે ફરિયાદ નોંધી તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.