દેશના કોઈપણ બંદરને કોર્પોરેટ સ્વરૂપ આપવાની જાહેરાત તાજેતરમાં બજેટ રજુ કરતી વખતે કેન્દ્રના નાણામંત્રી દ્વારા કરવામાં આવી હતી. જેની સામે કંડલા ખાતેથી ઓલ ઈન્ડિયા પોર્ટ એન્ડ ડોક વર્ક્સ ફેડરેશને ઉગ્ર વિરોધનો સૂર વ્યક્ત કરતા ખાનગીકરણની કેન્દ્રની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો છે.અગાઉ કેન્દ્ર સરકાર અને શીપીંગ મંત્રી દ્વારા બંદરોના ખાનગીકરણ નહીં કરવાની ખાતરી કામદારો સંગઠનોને આપવામાં આવી હતી. આ ખાતરીમાંથી બધા ફરી ગયા હોવાનો આક્ષેપ કરતા ફેડરેશનના રાષ્ટ્રીય સેક્રેટરી મનોહર બેલાણીએ જણાવ્યું છે કે, આજની સ્થિતિ જોતા કન્ટેઈનર હેન્ડલિંગમાં જવાહરલાલ નેહરૂ પોર્ટ અને કાર્ગો હેન્ડલિંગમાં દિનદયાલ પોર્ટ સૌથી આગળના ક્રમે છે. બંદરને કોર્પોરેટ સ્વરૂપ આપવાના કેન્દ્રના નિર્ણયમાં આ બંનેમાંથી કોઈપણ બંદર સૌથી પહેલો ટાર્ગેટ બની શકે છે. જેને લઈને કામદારોમાં રોષ વ્યાપ્યો છે.હાલ દેશના ૧૧ મોટા બંદરો ભારત સરકારની માલિકી હેઠળ કામ કરે છે. જેને મેજર પોર્ટ ઓથોરીટી હેઠળ તબદિલ કરવાનું એક બિલ સાંસદમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. બંદરને કોર્પોરેટ સ્વરૂપ આપવાની બાબત ખાનગીકરણનું પ્રથમ ચરણ છે.ત્યારે બંદરને કોર્પોરેટ સ્વરૂપ આપવાની વાત તો દુર રહી પરંતુ પોર્ટ ટ્રસ્ટ એક્ટને પોર્ટ ટ્રસ્ટ ઓથોરીટીમાં બદલવાના કેન્દ્રના નિર્ણય સામે પણ ફેડરેશન અને યુનિયનો દ્વારા ઉગ્ર લડત આપવામાં આવશે. આગામી તા.૯ના રોજ મળનારી ફેડરેશનની રાષ્ટ્રીય બેઠક તેમજ પાંચ ફેડરેશનોની બેઠકમાં આ અંગે ચર્ચા કરીને આગામી લડતની રણનીતિ ઘડી કાઢવામાં આવશે.