કચ્છમાં આયુર્વેદની ડિગ્રીના આધારે એલોપેથીની પ્રેક્ટીશ કરતા તબીબો

ભારતના અન્ય રાજયોમાંથી આયુર્વેદની ડિગ્રી મેળવી આવા તબીબો એલોપેથીની દવાઓ આપી સારવાર કરતા હોવાની તબીબોની કચ્છમાં સંખ્યા વધી રહીછે. ખાસ કરીને મુંદ્રા, અંજાર, ગાંધીધામ અને ભચાઉ પંથકમાં આવા પરપ્રાંતીય તબીબોનો રાફડો ફાટયો છે.કચ્છમાં ડિગ્રી વગરના ડૉક્ટર દ્વારા ચલાવાતા દવાખાનાને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ સુધ્ધા પણ કરવામાં આવતી નથી.કચ્છમાં બોગસ તબીબોની કોઈ કમી નથી. રાપરથી માંડીને અબડાસા, લખપત સહિતના પંથકમાં બોગસ તબીબોનો રાફડો ફાટયો છે. ત્યારે, ખાસ કરીને પૂર્વ કચ્છના અંજાર, આદિપુર, ગાંધીધામ અને ભચાઉ સહિત મુંદરા પંથકમાં પરપ્રાંતિય ડોકટરો દ્વારા મોટા પાયે દવાખાના ચલાવાઈ રહ્યા છે. છેલ્લા એક દાયકાથી આવા કલીનીકોની સંખ્યા વધી છે.કેટલાક તબીબોએ તો ગુજરાત કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નથી. એલોપેથીની દવાઓ આપવામાં આવે છે. શહેરના ખાસ કરીને શ્રમજીવી વિસ્તારોમાં બોગસ ડૉક્ટરો દ્વારા મોટાપાયે દવાખાનાઓ ખોલીને બેરોકટોક ડૉક્ટરી પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. ભારતના અન્ય રાજ્યોમાંથી આયુર્વેદની ડિગ્રી મેળવીને કચ્છમાં એલોપેથીની દવાઓ આપવામાં આવી રહી છે.