ભુજ : ભારતભરમાં સીએએનો વિરોધ થઈ રહ્યો છે. રાજકીય પાર્ટીથી લઈને અમુક જુથો દ્વારા સરકારના આ પગલા સામે રોષ વ્યકત કરાઈ રહ્યો છે. તે વચ્ચે કચ્છમાં વધુ ૭ પાકિસ્તાની હિંદુ વિસ્થાપિતોને ભારતીય નાગરિક્ત્વ અપાયું હતું. મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૦૮માં પાકિસ્તાનના સિંધપ્રાંતના મુંગર ગામમાં ૨૦૦ એકર ખેતીની જમીન અને મકાન છોડીને પરિવારની સુરક્ષા માટે મહેર પરિવાર ભારતમાં ભુજ ખાતે આવ્યો હતો. આ અંગે ગોવિંદસિંહ મહેરે જણાવ્યું હતું કે, પિતાજી ભુપતસિંહને ૨ વર્ષ અગાઉ નાગરિકત્વ મળી ગયું હતું. પરંતુ બાકીના પરિવારના ૬ સભ્યો વંચિત હતા.જેને વર્ષોના પ્રયાસ બાદ આજે સિટીઝનશીપ મળી હતી. જે બદલ ભારત સરકારનો આભાર વ્યકત કર્યો હતો. ત્યારે બીજી તરફ પાકિસ્તાનના કરાંચીથી લગ્ન કરીને અંજાર તાલુકાના ચાંદિયામાં સ્થાઈ થયેલા ચંદાબેન વિનોદ ચાવડાને પણ ૧૧ વર્ષ બાદ નાગરિકત્વ મળ્યું હતું. આ અંગે તેમના પતિએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ પત્નીને ભારતનના વિઝા મળ્યા હતા. પરંતુ ૭ વર્ષના નિયમ છતાં સીટીઝનશીપ ૧૧ વર્ષે મળી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગાંધીધામ ખાતે ૭ લોકોને સિટિઝનશીપ સર્ટીફિકેટ અપાયા હતા તે બાદ આજે વધુ ૭ને નાગરિકતા મળતા ખુશીની લહેર ફેલાઈ હતી.