સૌરાષ્ટ્ર-કચ્છમાં રાતભર ફૂંકાઈ શીત લહેર: ઠાર સાથે ટાઢોડુ છવાયું

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રાતભર ફુંકાયેલી શીત લહેરને કારણે ઠાર સાથે ટાઢોડુ છવાયું છે. તો હવામાન સ્વચ્છ થતા જ લઘુતમ મહતમ તાપમાનમાં સામાન્ય વધારા ઘટાડા સાથે ઠંડી-ગરમીની મિશ્ર ઋતુ જળવાઈ રહી છે. જો કે ભેજ ઘટવા છતા ઠાર વધતા સવારે મોડે સુધી લોકો ઠંડીમાં ઠીંગરાતા જોવા મળતા હતા. ચાલુ વરસે મૌતમનો મિજાજ પ્રારંભથી જ કાંઈક અલગ રહ્યો છે. વર્ષના પ્રારંભે જ માવઠા અને કમોસમી વરસાદ સાથે લાંબો સમય મિશ્ર હવામાનનો માહોલ બની રહ્યા બાદ બોકાસો બોલાવતી કાતિલ ઠંડી સાથે શિયાળાનું આગમન થયું હતું. લગભગ એક મહિના સુધી અતિશય કાતિલ ઠંડીએ સમજ્ર જનજીવન પ્રભાવીત કર્યુ હતું. બાદમાં જો કે મહા મહિનાના પ્રારંભથી જ ઠંડીમાં રાહત જોવા મળી હતી. સામાન્ય રીતે મહા મહિનાના મધ્યાહનમાં બોકાસો બોલાવતી ઠંડી પડતી હોય છે. પરંતુ ચાલુ વરસે વિચિત્ર હવામાનની અસર હેઠળ મહા મહિનાના પ્રારંભથી જ વાતાવરણમાં ફેરફાર થયો હતો અને છેલ્લા પખવાડીયા કરતા વધુ સમયથી હવામાન પલ્ટા સાથે મિશ્ર ઋતનો માહોલ બની રહ્યો છે. તેની અસર હેઠળ છેલ્લા છ દિવસથી દિવસે ગરમી-બફારો રાત્રે સામાન્ય ઠંડીનો ચમકારો લોકોને અનુભવાઈ રહ્યો છે. દરમિયાન છેલ્લા છ દિવસથી પશ્ર્ચિમના ફેરફાર સાથે પશ્ચિમ કે પૂર્વ પશ્ચિમના ભેજવાળા પવનની અસર હેઠળ છેલ્લા છ દિવસમાં ચાર દિવસ ઝાકળવર્ષા થઈ હતી. પરંતુ આજે કરીને પવનની ગતિ બદલવા સાથે દિશા પણ ફરી હતી. પૂર્વ કે ઉતર પૂર્વનો ફરીને સુકો પવન ચાલુ થયો હતો. જયારે પવનની ગતિ પણ રાતભર 10થી 30 કિ.મી. પ્રતિ કલાકની રહેતા આજે વહેલી સવારે હવામાન ખુલ્લુ હોવા છતા બેઠા ઠાર સાથે લોકોને ઠંડીનો અનુભવ થતો હતો. જો કે સૂર્યદેવે ઉગતાની સાથે જ રંગ દેખાડવાનું રૂ કરતા સવારે 11 વાગ્યે ફરી 21 ડીગ્રી ઉપર તાપમાન પહોંચી ગયું હતું. તેથી ફરી લોકોને દિવસે ગરમીનો અહેસાસ થતો હતો. સામાન્ય વધારા ઘટાડાના તાપમાને આજે વહેલી સવારે ક્ચ્છનું રણકાંઠાનું ગામ નલીયા રાબેતા મુજબ જ 6.7 ડીગ્રી સાથે રાજયભરમાં ઠંડુગાર બન્યું હતું. ત્યારે અન્યત્ર ઠંડીનો ચમકારો જળવાઈ રહ્યો હતો.