ગાંધીધામ : આ શહેરમાં એ.ટી.એમ. તથા ઓનલાઇન છેતરપિંડી અનેક ફરિયાદો પોલીસ ચોપડે ચડી છે તેવામાં એક રાષ્ટ્રીયકૃત બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ભૂલના કારણે એક ગ્રાહકના ચારેક લાખ બારોબાર ઉપડી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.પોલીસને ઉપલી કક્ષાએથી આદેશ મળ્યા બાદ બે-ત્રણ મહિના અગાઉની અરજીઓને ફરિયાદનું રૂપ આપી ચોપડે ચડાવવામાં આવી હતી. ઓનલાઇન તથા એ.ટી.એમ.ની થોકબંધ ફરિયાદો પોલીસના ચોપડે ચડી હતી. શહેરની નગરપાલિકા પાસે આવેલી એક રાષ્ટ્રીય કૃત બેંકમાં પણ ઓનલાઇન છેતરપિંડીને બનાવ બન્યો હતો. અંતરંગ સૂત્રોના જણાવ્યા મુજબ આ બેંકમાં એક ગ્રાહકના ૭ થી ૮ લાખ બચત ખાતામાં પડયા હતા. દરમ્યાન હાલમાં આ ગ્રાહકના ભળતા નામ વાળો ઇમેલ બેંકમાં આવ્યો હતો. જેમાં આ ગ્રાહકની ભળતી સહી પણ હતી. આ ઇમેલમાં જણાવાયું હતું કે મારે મારા મોબાઇલ નંબર બદલવાના છે. આ ઇમેલના આધારે બેંકે ગ્રાહકની ચકાસણી કર્યા વગર જ આ મોબાઇલ નંબર બદલાવી નાખી તેમના બેંક ખાતા સાથે જોડી નાખ્યો હતો.તેવામાં બનાવટી સહી અને ઇમેલ કરનારા ઠગ શખ્સે આ વ્યક્તિના ખાતામાંથી ઓનલાઇન થકી ચારેક લાખ ઉપાડી લીધા હતા. આવી છેતરપિંડીના કારણે જીવનભરની મૂડી જમા કરાવનારા આ બેંકના ગ્રાહકને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો. આ ગ્રાહકે પોલીસની ખાસ શાખાનો સંપર્ક કર્યો હતો અને પોલીસ આ બેંકમાં ગઇ હતી ત્યારે બેંકના અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી. ખરેખર આ બનાવ કેવી રીતે બન્યો હતો ? આ સાચા ગ્રાહકની ઇમેલ આઇડી કે તેમની ભળતી સહી છેતરપિંડી કરનારા શખ્સ પાસે કેવી રીતે પહોંચી ? આ બનાવમાં બેંકના કોઇ સભ્યો સંડોવાયેલા તો નથી ને ? વગેરે અંગે તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેમ છે, આ ગ્રાહકના રૂપિયાની બેંક ચૂકવણી કરી આપશે કે કેમ ? તેવા પ્રશ્નો પણ બહાર’ આવ્યા હતા.’