નળ સરોવર અને થોર અભ્યારણમાં પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ વખતે નળ સરોવરમાં પક્ષીઓની સંખ્યા ઘટી હોય તેવુ પ્રાથમિક અંદાજ- અનુમાન કરવામાં આવી રહ્યુ છે. પક્ષીઓની સંખ્યા ઘટવા પાછળ વધતા જતાં મુખ્યત્વે શહેરીકરણને જવાબદાર પરિબળ માનવામાં આવી રહ્યુ છે. પક્ષીઓના કુદરતી રહેઠાણ જળવાઇ રહે તે માટે લોકજાગૃતિ કેળવવા પક્ષીવિદોએ મત વ્યક્ત કર્યો છે.નળ સરોવર અને થોર અભ્યારણમાં પક્ષી ગણતરી શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડૉ.બ્રિજેશ કુમારના મતે,નળસરોવર અને થોર અભ્યારણમાં વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા હજારો લોકો આવે છે.ખાસ કરીને શિયાળામાં દેશવિદેશથી પક્ષીઓનુ આગમન થાય છે. અહીં બ્લેકનેક ગ્રીપ,તેજપર,સ્ટારલીન સહિત ઘણાં પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. આ વખતે નળ સરોવરને ૧૨૬ ઝોનમાં જયારે થોર અભ્યારણને ૨૬ ઝોનમાં વહેંચીને પક્ષી ગણતરી કરવામાં આવી હતી. ૧૫૦થી વધુ પક્ષીવિદોએ આ ગણતરીમાં ભાગ લીધો હતો. એકાદ સપ્તાહ બાદ કેટલાં પક્ષીઓ છે તેનો સાચો આંક જાણવા મળશે.જોકે, પક્ષીવિદોએ એવી ચિંતા વ્યક્ત કરી હતીકે, નળ સરોવરની આસપાસ રહેણાંક વિસ્તાર વધી રહ્યો છે જેના કારણે પક્ષીઓના આગમન પર અસર પહોંચી છે.વધતાં જતા શહેરીકરણને કારણે અભ્યારણમાં પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે. પક્ષીવિદોનુ કહેવુ છે કે, વરસાદનું પ્રમાણ કેટલું છે,સરોવરમાં પાણીનુ સ્તર કેટલું છે તેના પર પણ પક્ષીઓના આગમનનો આધાર રહેલો છે. આમ છતાંય પક્ષીના કુદરતી રહેઠાણો પર શહેરીકરણનો ભય છવાયો છે જેના કારણે લોકોમાં જનજાગૃતિ કેળવવી જરૂરી છે. ઉલ્લેખનીય છેકે, દર બે વર્ષે પક્ષીઓની ગણતરી થાય છે. ગત વખતે નળ સરોવરમાં પક્ષીઓની સંખ્યા ૧.૪૦ લાખ રહી હતી જયારે થોર અભ્યારણમાં ૪૫ હજાર પક્ષીઓ હતાં.