એકબાજુ સરકાર શિક્ષણને વેગ આપવા અનેક શૈક્ષણિક પ્રવૃતિ સાથે કન્યા શિક્ષણ ઉપર ભાર મુકવા વિવિધ યોજનાઓ બનાવે છે. ત્યારે બીજીતરફ બરંદા જુથ ગ્રામ પંચાયત હેઠળ આવતી માલધારીઓની એક નાની વસાહતમાં છેલ્લા લાંબા સમયથી પાણી વિતરણ વ્યવસ્થાખોરવાતા આ પશુપાલક પરિવારનો મહિલા વર્ગ અને બાળકો શાળાએ અભ્યાસ માટે જવાને બદલે પાણી ભરવા જાય છે. જવાબદારો પાસે રજૂઆતો છતાં કોઈ કામગીરી ન કરાતા આ પરિવારો હાલાકી ભોગવી રહ્યા છે. આ બાબતે મળતી માહિતી મુજબ બરંદા જુથ ગ્રામ પંચાયતથી એકાદ કિ.મી. દુર અંદાજીત ૧૦ થી ૧૨ માલધારી પરિવારો વસવાટ કરે છે. આ પરિવારો માટે પાણીનો ટાંકો બનાવી અને પાણી વિતરણ વ્યવસ્થાના ભાગરૂપે લાઈનો પણ પાથરવામાં આવી છે. નિયમિત પાણી વિતરણ કરાતું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બરંદા-દયાપર રોડ વચ્ચે પાણીની લાઈનમાં ભંગાણ થતા આ પરિવારો માટે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા વસાહતથી અડધા કિ.મી. દુર મેઈન રોડ ઉપર બાળકો અને મહીલા વર્ગને પાણી ભરવા આવવું પડે છે. ઘરના બાળકો માતાને મદદરૂપ થવા શાળાએ જવાના બદલે પાણી ભરવામાં જોડાઈ જાય છે.આ રહેવાસીઓના કહેવા પ્રમાણે પાણીની લાઈનોના સમારકામ માટે તંત્ર પાસે રજૂઆત પણ કરવામાં આવી છે પણ જવાબદારો આવી નાની કામગીરી માટે ઉદાસીન હોય એમ આ પાણીની લાઈનમાં થયલું ભંગાણ સાંધવાનું મુનાસીબ નથી માનતા. તંત્રની નિભરતાના કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે અને તૂટેલી પાણીની લાઈન પાસે એક મીની તળાવ રચાતા પાણીની લાઈનમાં પણ માટી જતા પાણી દુષિત થઈ રહ્યું છે અને આ દુષીત પાણી લોકો પોતાના માટે અને પશુઓના ખોળ, ભુસા પલાળવાના ઉપયોગમાં લેતા હોઈ કોઈ રોગચાળો ન વકરે તો સારું એવું લોકો જણાવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પાણીની ગંભીરતા સમજી વેડફાતું પાણી અટકાવી ક્ષતી ગ્રસ્ત લાઈન સત્વરે રીપેર કરાય તેવી માંગ ઉઠી છે.