ટેન્ટ સિટીની ક્રાફ્ટ બજાર, સૂર્યાસ્ત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો નીહાળ્યા કચ્છના મહેમાન બનેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમગ્ર દુનિયામાં ખ્યાતનામ ધોરડો સ્થિત સફેદ રણનો સૂર્યાસ્ત નીહાળવાનો લ્હાવો લીધો હતો. આ પહેલા ટેન્ટ સિટીમાં આવેલ ક્રાફ્ટ બજારની મુલાકાત લઇ કચ્છના સ્થાનિક કલા કારીગરો સાથે વાતચીત કરી કચ્છી કળા અને વણાટ અંગેની ઝીણવટભરી માહિતી મેળવી હતી. ક્રાફ્ટ બજારની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ક્રાફ્ટ બજારના વેચાણકારો પાસેથી કચ્છી શાલ તેમજ કચ્છી ભરત અંગે જાણકારી મેળવી હતી ક્રાફ્ટ બજારની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ તેમના ધર્મપત્ની સાથે કચ્છી શાલ અન્ય વસ્તુઓ ખરીદી હતી. ખરીદી દરમિયાન કારીગરો સાથે વાતચીત કરી કચ્છમાં સ્થાનિક રોજગારી અંગે ચાલતા વિવિધ પ્રોજેક્ટો અંગે કારીગરો પાસેથી માહિતી મેળવી હતી. વાતચીત દરમિયાન સ્થાનિક દુકાનધારકોએ કચ્છમાં થયેલા પ્રવાસનના વિકાસથી અનેક પરિવારોને રોજગારી મળી રહી છે તેમજ કચ્છી લોકકળાને પ્રોત્સાહન મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું. નેશનલ એવોર્ડ વિજેતા કારીગર સાથેની વાતચીતમાં માન. રાજ્યપાલશ્રીએ કચ્છમાં ભરતકામ, વણાટકામ અને મહિલાઓને મળતી રોજગારી અંગે પ્રશ્નો પૂછી માહિતીગાર થયા હતા. ટેન્ટ સિટીમાં આવેલ ક્રાફ્ટ બજારની મુલાકાત બાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છની ઓળખસમા સફેદ રણમાં નજારો માણીને ધન્યતા અનુભવી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઊંટગાડી પર બેસીને સફેદ રણની સહેલગાહ કરી હતી. કચ્છના સફેદરણમાં સૂર્યાસ્ત નીહાળી આચાર્ય દેવવ્રતજીએ અનોખો લ્હાવો લીધો હતો. જ્યાં આચાર્ય દેવવ્રતજીએ વિવિધ પોઝ આપીને ફોટોગ્રાફી પણ કરાવી હતી. સફેદ રણની મુલાકાત દરમિયાન પ્રવાસીઓ તેમજ રાજકોટની શાળાના પ્રવાસી બાળકોએ પણ રાજ્યપાલશ્રી સાથે ફોટોગ્રાફીનો લ્હાવો લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાનો પણ લ્હાવો લીધો હતો. સફેદ રણની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની સાથે તેમના પરિજનો પણ જોડાયા હતા. આ તકે જિલ્લા વહિવટી તંત્રના સંબંધિત અધિકારીઓ, પ્રવાસન વિભાગના અધિકારીઓ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા પરિક્ષીતા રાઠોડ, પ્રાંત અધિકારી શ્રી ઝાલા, ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મીયા હુસૈન પણ જોડાયા હતા. સફેદ રણની સમગ્ર મુલાકાતની સંકલન કામગીરી નીરવભાઇ પટ્ટણીએ સંભાળી હતી.