કંડલા બંદરે ચીનના શંકાસ્પદ જહાજને અટકાવાયું, 22 ક્રૂ મેમ્બરોની શરૂ કરાઇ તપાસ

હોંગકોંગથી પાકિસ્તાન તરફ જતા એક જહાજમાંથી સંદિગ્ધ મશિનરી મળી આવતા તંત્ર એલર્ટ થયું છે. આ જહાજમાં પાકિસ્તાન સરકાર માટેના વિન્ડમિલના પાર્ટ્સ અને તેની સાથે મિસાઈલ જેવી સામગ્રી હોવાની સંભાવનાને પગલે તપાસ એજન્સીઓ દ્વારા જહાજમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શનિવારથી આ જહાજમાં ચેકિંગની કામગીરી ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, ગઈકાલે એક જહાજ કચ્છના કંડલા બંદર પર પહોંચ્યું હતું. આ જહાજ ચીનથી કંડલા અને ત્યાંથી પાકિસ્તાન રવાના થવાનું હતું. ડી ચીન જિંગ નામના ચાઇનીઝ ફ્લેગવાળું જહાજ જ્યારે રવાના થવાનું હતું, ત્યારે કસ્ટમ વિભાગ દ્વારા આ જહાજને અટકાવવામાં આવ્યું હતું. કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા જહાજમાં સવાર 22 ક્રુ મેમ્બરની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત જહાજમાં સંદિગ્ધ મશીનરી હોવાની શંકાના આધારે આ મુદ્દો રાષ્ટ્રની સુરક્ષાને લગતો હોવાથી જહાજની તપાસ કરવા માટે સંબંધિત વિભાગના નિષ્ણાંતને બોલાવવામાં આવ્યા હતા. જહાજમાં રહેલો સામાન પાકિસ્તાનમાં કાસીમ પોર્ટમાં ઉતારવાનો હતો. આ જહાજમાં પવનચક્કીના કેટલાક પાર્ટ્સની સાથે-સાથે મિસાઈલ જેવી યુદ્ધની સામગ્રી હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે.