એક સમયે ગુજરાતના સૌથી આયોજિત નગર રચનાવાળા શહેર ગણાતા અને પંચરંગી વસતી ધરાવતા ગાંધીધામનો આજે જન્મદિવસ છે. ખુબ જ ટુંકા ગાળામાં વિકાસ પામેલા ગાંધીધામ શહેરને વસાવવા માટે શરૂઆતના સમયમાં ગોઠવવામાં આવેલી જુદી જુદી વ્યવસ્થાનો ઈતિહાસ આજે બધા માટે જાણવો રસપ્રદ બની રહેશે. તા.૧ર-ર-૧૯૪૮ના દિવસે ભાઈપ્રતાપ દીયલદાસ નૈનવાણી, આચાર્ય કૃપલાણી, એસઆરસીના ડાયરેક્ટરો તથા ભારત સરકારના અધિકારીઓની હાજરીમાં આદિપુરમાં શિવમંદિર અને ગાંધીજીના અસ્થિઓની સમાધિ બનાવી આદિપુર-ગાંધીધામનો પાયો નાંખવામાં આવ્યો હતો. ભાગલા વખતે પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં રહેતા હિન્દુઓને વસાવવા માટે ગાંધીધામ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. સરદાર પટેલના સૂચનથી કચ્છના મહારાઓ દ્વારા કંડલા બંદર અને અંજાર શહેર વચ્ચેનો ૧૫ હજાર એકર વેરાન પ્રદેશ સિન્ધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લી. એટલે કે એસઆરસીને આપવામાં આવ્યો હતો. ગાંધીધામની સ્થાપના બાદ સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો હતો. તેવા સમયે એસઆરસીએ કંડલા પોર્ટની ૧થી ૩ જેટી અને કંડલા નકટી પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ સરકાર પાસેથી રાખ્યો, જેમાં દરેક નગરવાસીને વગર પુછ્યે નોકરીએ રાખવામાં આવ્યા. લોકો લોન મેળવીને પોતાના મકાન કે દુકાનો ખરીદી શકે તે માટે ૧૯પ૧માં ભાઈપ્રતાપે ગાંધીધાક કો.ઓપરેટીવ બેન્કની સ્થાપના કરી. બે વાળી, ચાર વાળી, સાત વાળી, બાર વાળી, નવ વાળી, ચારસો ક્વાર્ટર, ડબલ સ્ટોરી વગેરે જેવી વસાહતો બનાવી લોકોને રૂ.ર, ૪ અને ૭ જેવા નજીવા ભાડે રહેવા માટે મકાનો આપ્યા. શહેરનો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થાય તે જરૂરી હતું. આખા ભારતમાં કોઈને ચેમ્બર ઓફ કોમર્સ શબ્દના અર્થની ખબર નહોતી તે સમયે ૧૯પ૩માં તેમણે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરી હતી. ભાવિ પેઢીમાં શિક્ષણનું સિંચન કરવા રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સ્કૂલોના સમુહ મૈત્રી મંડળની સ્થાપના કરી. ગાંધીધામ શહેરની આયોજિત રચના થાય અને બાંધકામો પર નજર રહી શકે તથા રેગ્યુલેશન આવે તે માટે ૧૯૫૭માં મુંબઈ રાજ્યના કાયદાથી ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરીટી એટલે કે જીડીએની સ્થાપના થઈ. ૧૯૫૯માં નેહરૂ કેબીનેટમાંથી કંડલા ફ્રી ટ્રેડ ઝોન પાસ કરાવ્યો. જે વિશ્વનો બીજા નંબરનો અને એશિયાનો સૌપ્રથમ ફ્રી ટ્રેડ ઝોન હતો. ૧૯૬૫માં તેનું ઉદ્દઘાટન થયું, પ્રથમ વર્ષે રૂ.૪૩ લાખનું એક્સપોર્ટ કરનાર આ ઝોન આજે રૂ.૫૬૩૭ કરોડના આંકને આંબ્યો છે. જો કે વિકાસની હરણફાળ ભરી રહેલા ગાંધીધામ-આદિપુરને જાણે કે કોઈની નજર લાગી ગઈ હોય તેમ આજે અહીના રહેવાસીઓ અનેક પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે. લોકોને રસ્તા, ગટર, સફાઈ, લાઈટ, પાણી જેવી પાયાની માળખાકીય સુવિધાઓ પણ પુરતી નથી. વ્યાપક દબાણો, રખડતા ઢોર, ટ્રાફિક સમસ્યા, અસામાજિક તત્વોનો ત્રાસ વગેરે સમસ્યાઓએ અજગરી ભરડો લીધો છે. આજના ગાંધીધામની સ્થિતિ જોઈને સ્વર્ગમાં આ શહેરના સ્થાપકોનો આત્મા કદાચ દુઃખી થતો હશે.