કચ્છના સફેદ રણને નવા પ્રવાસન ડેસ્ટીનેશન તરીકે વિકસાવવાની ગુજરાત સરકારની યોજના છે ત્યારે કચ્છના રણમાં જ દેશના પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટેની ચર્ચા યોજાશે. દેશનો પ્રવાસન ઉદ્યોગ ડેસ્ટીનેશન મેનેજમેન્ટ પર મંથન કરશે. કચ્છના રણ ખાતે ૧૩, ૧૪ ફેબ્રુઆરીએ પર્યટન અને સાંસ્કૃતિક મંત્રાલય અને ગુજરાત સરકારના સહયોગથી બે દિવસીય ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને સહભાગીતા અંગે બેઠકો યોજાશે. આ બેઠકમાં નવી પ્રવાસન નિતીમાં સમાવવા અંગેના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, પર્યટન ક્ષેત્રમાં ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને સામુદાયિક સહભાગિતાના મહત્વ અંગે ચર્ચા કરવા માટે કચ્છમાં સફેદ રણમાં બેઠક બોલાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, પર્યટન ઉદ્યોગ, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો વગેરે દ્વારા વકતવ્ય આપવામાં આવશે અને વિવિધ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ ક્ષેત્ર સંબંધિત શ્રેષ્ઠ રીતભાતો/કેસ સ્ટડી રજૂ કરવામાં આવશે. આ બેઠકના કારણે આવી પહેલની પરિકલ્પના અને માળખુ, અભિગમ, તેના અમલમાં આવતા પડકારો અને સમાજ તેમજ એકંદરે અર્થતંત્ર પર તેના પ્રભાવને સમજવામાં મદદ મળશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય પાણી તેમજ ભારત સરકારના પર્યટન અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલ દ્વારા ૧૩મી ફેબ્રુઆરીનાં રોજ આ કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવશે.