ભુજનું રૂપિયા 134 કરોડનું બજેટ બહુમતિથી સામાન્ય સભામાં પસાર

લાંબા સમયના ઈંતેજાર બાદ ભરાયેલી ભુજપાલિકાની સામાન્ય સભામાં બજેટ રજુ કરાયું હતું. જો કે જુની બોટલમાં નવો દારૂ પીરસાયો હોય તેમ જુના અને અમલી ન થયેલા ઠરાવો ફરી સામેલ કરીને વિકાસવિઝનના નામે લોકોના આંખમાં ધુળ નાખવાનો પ્રયાસ કરાયો હતો. વિપક્ષને અવગણીને સભામાં ૧.૩૬ અબજનું બજેટ પસાર કરી દેવાયું હતું.૧ થી ૪૪ ઠરાવને વિપક્ષની સહમતિ વગર જ બહાલી આપી દેવાઈ હતી. વિપક્ષ પ્રશ્નો પુછવાની પ્રયાસમાં રહી ગયોને બીજીતરફ સત્તાપક્ષે હંમેશાની જેમ કુલડીમાં ગોળ ભાંગીને સમેટીને ચાલતી પકડી હતી. ગત વર્ષે થયેલા કામમાં આચરાયેલા ભષ્ટ્રાચારના મામલે વિપક્ષે નગરપતિને ઘેરવાનો પ્રયત્ન કરતા હોબાળો થયો હતો.સત્તાપક્ષે ૧.૪૬ કરોડની પુરાંતવાળું બજેટ રજુ કર્યું હતું. જેમાં રૂ.૨૮,૧૮,૭૫,૦૦૦ના ઓપનીંગ બેલેન્સ સાથે સામાન્ય આવક રૂ.૯,૦૮,૭૫,૦૦૦ મેળવી તેમજ સામાન્ય ગ્રાન્ટની આવક રૂ.૯૭,૫૪,૫૦,૦૦૦ તેમજ શિક્ષણ ઉપકર પેટે રૂ. ૧,૨૫,૦૦,૦૦૦ મેળવીને રૂ. ૧,૩૬,૦૭,૦૦,૦૦૦ની આવક મેળવી તેની સામે ૧,૩૪,૬૦,૭૦,૦૦૦નો ખર્ચ કરવામાં આવશે તેવું જણાવાયું હતું. નવી ઈમારત, ફીલ્ટર પ્લાન્ટ, પ્લાસ્ટીક પર પ્રતિબંધ જેવા જુના અને ચવાઈ ગયેલા ઠરાવો ફરી રજુ કરીને તે કામો કરાશે તેવો વાયદો ફરી એકવખત કરાયો છે.