પ્રેસિડેન્ટ ટ્રમ્પનું હેલિકોપ્ટર મરીન વનનું અમદાવાદમાં આગમન થયું

અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાના સાધનો ઉપરાંત હેલિકોપ્ટર મરીન વન લઇને યુએસ એરફોર્સનુ વધુ એક ગ્લોબ માસ્ટર હરકયુલસ પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યું હતું. પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે વિશ્વના સૌથી સલામત ગણાતાં મરિન વન હેલિકોપ્ટર અમદાવાદ આવી પહોચ્યા હતાં. ટ્રમ્પ અને મેલાનિયા મરિન વન હેલિકોપ્ટરમાં બેસી મોટેરા સ્ટેડિયમથી સીધા જ એરપોર્ટ પર પહોચશે. બે દિવસ પહેલાં યુએસ એરફોર્સનુ ગ્લોબ માસ્ટર પ્લેન સુરક્ષાના સાધનો લઇને અમદાવાદ એરપોર્ટ પર આવ્યુ હતુ જેમાં ટ્રમ્પના કાફલા સાથે અતિ આધુનિક સુરક્ષા સાધનો ઉપરાંત હાઇટેકનિક કમ્યુનિકેશન સાધનોથી સજજ એસયુવી કાર લવાઇ હતી.સાથે સાથે ત્રણ ટ્રક ભરીને સુરક્ષાના સાધનો લવાયા હતાં. આ સાધનોને ય શહેરની ફાઇવ સ્ટાર હોટલમાં રાખવામાં આવ્યા છે. આજે વધુ એક યુએસ એરફોર્સનું વિશાળ હરક્યુલસ પ્લેન બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યુ હતુ. આ કાર્ગો પ્લેનમાં ત્રણ મરિન વન હેલિકોપ્ટર લવાયા હતાં. પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે એક મરીન વન હેલિકોપ્ટર હશે જયારે અન્ય બે હેલિકોપ્ટર સુરક્ષા માટે હશે જેમાં સિક્રેટ સર્વિસ એજન્ટો હશે. એરપોર્ટ પર ગુજસેલના કોમ્પલેક્સની બાજુમાં સિક્રેટ સર્વિસના એજન્ટો માટે અલાયદો ડોમ બાંધવામાં આવ્યો છે કેમકે, જયારે ટ્રમ્પ અને મેલાનિયા અમદાવાદ એરપોર્ટ આવી પહોચશે ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરાશે. હરક્યુલસ પ્લેનમાં સિક્રેટ સર્વિસના એજન્ટો સુરક્ષાની વધુ સામગ્રી લઇ આવી પહોચ્યાં છે. હજુ એક વધુ કાર્ગો પ્લેન આવશે જેમાં ટ્રમ્પની ધ બિસ્ટ કાર સહિતની સાધન સામગ્રી લાવવામાં આવશે. મોટેરા સ્ટેડિયમમાં બે અલાયદા હેલિપેડ પણ બનાવવામાં આવ્યાં છે. મોટેરા સ્ટેડિયમમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મરીન વન હેલિકોપ્ટરમાં બેસીને એરપોર્ટ પહોચે તેવુ આયોજન કરાયુ છે.અત્યારે તો ટ્રમ્પના સૌથી સલામત ગણાતાં આધુનિક મરિન વન હેલિકોપ્ટરની પાંખો સહિતની સામગ્રી ફિટ કરીને તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.નમસ્તે કાર્યક્રમમાં મોટેરા સ્ટેડિયમમાં એકાદ લાખ લોકો એકઠા થવાના છે. હજારો લોકો રોડ શોમાં ય આવનાર છે ત્યારે ધોખધમતા તાપમાં લોકોને તાકીદે તબીબી સારવાર મળી રહે તે માટે ય મ્યુનિ.તંત્રે આયોજન કર્યુ છે. મોટેરા સ્ટેડિયમમાં પચ્ચીસ બેડની ટેમ્પરરી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે જેમાં એક્સ રે મશીન સહિતની તબીબી સુવિધા સાથેની તૈયારીઓ કરાઇ છે. હોસ્પિટલમાં ડૉક્ટરો સહિત પેરા મેડિકલ સ્ટાફને તૈનાત કરાશે.અમેરિકાના રાષ્ટ્રપ્રમુુખ ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોટેરા સ્ટેડિયમમાં એક લાખ લોકોને એકઠા કરવા ભાજપના પ્રદેશ સંગઠનથી માંડીને શિક્ષકો-શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને લાવવવા આયોજન કરાયુ છે. હજારોની સંખ્યામાં લોકો એકઠા થાય અને કોઇ વ્યક્તિ અચાનક બિમાર પડી જાય તો તાત્કાલિક સારવાર મળે તે માટે આઠ જિલ્લામાં મેડિકલ સ્ટાફને સ્ટેન્ડ બાય રખાયો છે. આખાય રોડ શોના રૂટ પર ૫૩ એમ્બ્યુલન્સ વાનો પેરા મેડિકલ સ્ટાફ સાથે તેનાત રખાશે. ડૉક્ટર,નર્સ અને પેરા મેડિકલ સ્ટાફ સાથેની કુલ ૨૪ ટીમો રોડ શોના રૂટ પર હાજર રહેશે. સ્ટેડિયમમાં તમામ તબીબી સાધનો સાથે ટેમ્પરરી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.સ્ટેડિયમમાં જ આઇસીયુ ઓન વ્હિલ્સ તૈયાર રાખવામાં આવશે.ટ્રમ્પના કાર્યક્રમ માટે સ્કૂલોના વિદ્યાર્થીઓને લઈ જવાનું કેન્સલ કરાયા બાદ હવે અમદાવાદની કોલેજોના ૬ હજારથી વધુ વિદ્યાર્થીને લઈ જવાશે.આ માટે અમદાવાદ શહેરની જુદી જુદી કોલેજોનું લિસ્ટ તૈયાર કરવામા આવ્યુ છે. સરકારના આદેશને કલેકટર કચેરી દ્વારા હવે અમદાવાદની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને ટ્રમ્પના કાર્યક્રમમાં લઈ જવામા આવનાર છે.ખાસ કરીને ટેકનિકલ કોર્સના વિદ્યાર્થીઓને જ લઈ જવાશે કારણકે અન્ય વોકેશનલ કોર્સીસની કોલેજોમાં ઈન્ટરનલ પરીક્ષાના પરીક્ષા અને યુનિ.ની પરીક્ષા આવતી હોવાથી વિદ્યાર્થીઓને નહી લઈ જવાય. જ્યારે ટેકનિકલ કોર્સમાં સરકારી ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીની કોલેજોમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓને લઈ જવાશે. જેમાં એલ.ડી ઈજનેરી કોલેજમાંથી ૧૫૦૦થી વધુ, વિશ્વકર્મા ઈજનેરી કોલેજમાંથી ૧૦૦૦થી વધુ અને આર.સી.ટેકનિકલ ડિપ્લોમા કોલેજમાંથી ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ તેમજ સરકારી પોલિટેકનિક કોલેજમાંથી ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને લઈ જવાશે.આ ઉપરાંત ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાંથી ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને લઈ જવાશે.