સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ કોલેજમાં ઘટેલી માસિક ધર્મકાંડની ઘટના વચ્ચે સ્વામિનારાયણ મંદિરના સંતનો માસિકધર્મ અંગે વિવાદાસ્પદ ઉપદેશ આપતો વિડિયો અચાનક વાયરલ થયાના બીજા દિવસે ભુજમાં સ્વામિનારાયણ મંદિરે હજારો ભાવિકોની હાજરીમાં સંપ્રદાયને ઈરાદાપુર્વક બદનામ કરાતો હોવાના આક્ષેપ સાથે મૌન રેલી કાઢીને તંત્રને આવેદન આપ્યું હતું.લેવા પટેલ ચોવીસીના હજારો હરિભક્તો ભુજ ખાતે એકત્ર થઈને પ્રથમ મંદિર ખાતે યોજાયેલી સભામાં જોડાયા હતા.એકતરફ સંતની વાયરલ કલીપમાં રજસ્વલા મહિલા અંગે કરાયેલી વાતોથી રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે બીજીતરફ મંદિર ખાતે મળેલી સભામાં કલીપ વાયરલ કરીને સંપ્રદાયને નીચું પાડવાનું કાવતરૂ કરી લોકો વચ્ચે ગેરસમજણ ઉભી કરવાનો આ હિન પ્રયાસ ગણાવાયો હતો.વાયરલ વીડીયોમાં કહેવાયેલી સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીની વાતો સ્ત્રીઓના સન્માનને ઠેસ પહોંચાડવાની નહીં પરંતુ શાસ્ત્રમાં જે લખાયું છે તે જણાવાયું હોવાનું ઉમેરાયું હતું. કેટલાક વિધ્નસંતોષીઓ દ્વારા સનાતન હિન્દુ ધર્મને નુકશાન પહોંચાડવાના આ પગલું ભરાયું હોવાથી જિલ્લાની શાંતિને જોખમમાં મુકવાનો પ્રયત્ન કરનારા તત્વોને શોધીને તેની સામે પગલા ભરવાની માંગણી સભામાં કરાઈ હતી.સભા બાદ હજારો ભક્તો સાથે સંતો,સાંખ્યયોગી બહેનોએ રેલી કાઢીને તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સહજાનંદ કોલેજમાં બનેલી ઘટનાને જાણીબુઝીને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડીને સાધુઓને નીચું જોવડાવવા તેમજ લોકોને ભ્રમીત કરવાના થતા પ્રયાસને વખોડીને પગલા ભરવા માંગ કરી હતી. સંતો તથા ભક્તોએ એસપી તથા અધિક કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે,સમયાંતરે રૂઢી- રીવાજો બદલાતા રહે છે પરંતુ ધર્મનો પાયો બદલતો નથી.મંદિર દ્વારા સમાજની કન્યાઓ શિક્ષિત થાય તે માટે કન્યા વિદ્યા મંદિર, કોલેજ તથા આધુનિક સારવાર મળે તે માટે લેવા પટેલ હોસ્પિટલ કાર્યરત કરવામાં યોગદાન અપાયું છે.ત્યારે સમાજને તોડી પાડવાના મનસુબા ધરાવતા લોકો દ્વારા સંત અને સંપ્રદાયની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા તથા ધાર્મિક લાગણી ભડકાવવા વીડીયો વાયરલ કરવાના કરાયેલા હિચકારા કૃત્ય સામે પગલા ભરાય તેવી રજુઆત કરાઈ હતી