કચ્છમાં 29,371 નવા મતદારોનો ઉમેરો, કુલ સંખ્યા 15.10 લાખ

તાજેતરમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ કરવામાં આવી હતી. આ કામગીરી પુર્ણ થતા આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ૪,૬૦,૨૦,૪૫૮ જ્યારે કચ્છની વાત કરીએ તો જિલ્લામાં નવા ૨૯,૩૭૧ મતદારોની ઉમેરો થતા જિલ્લામાં મતદારોની સંખ્યા કુલ ૧૫,૧૦,૬૨૦ થઈ છે. વધુ વિગતો મુજબ ૧ જાન્યુઆરી ૨૦૨૦ લાયકાતની તારીખના સંદર્ભમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કામગીરી પુર્ણ થયે ચાલુ માસમાં ફેબ્રુઆરી ૭મીના ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી જાહેર કરાઈ હતી. કચ્છના સંદર્ભમાં જોઈએ તો જિલ્લામાં ૧.૯૮ ટકા મતદારો વધતા નવા ૨૯૩૭૧ મતદારો ઉમેરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ૧૪,૮૧,૨૪૯ મતદારો હતા જે હવે વધીને ૧૫,૧૦,૬૨૦ થયા છે. મતદારોના રેશિયાની વાત કરીએ તો લોકસભા ચૂંટણી વેળાએ ૧૦૦૦ પુરૂષ મતદારોની સામે ૯૨૦ સ્ત્રી મતદારો હતા. હવે વધીને એક હજાર પુરૂષોની સામે ૯૨૩ સ્ત્રી મતદારો નોંધાયા છે. જિલ્લામાં કુલ્લ વસ્તીની સામે મતદારોની સંખ્યા ૬૧.૬૩ ટકા થઈ છે. જ્યારે ૧૮-૧૯ વર્ષના યુવા મતદારોની વાત કરીએ તો પહેલા તેમની સંખ્યા ૧૨૩૭૩ હતી હવે વધીને ૨૭૪૨૬ થઈ છે. જિલ્લા સર્વિસ વોટરોની સંખ્યા ૪૪૦ છે.