ભુજમાં પાલિકાના ઢોલ વગાડીને વેરા વસૂલવા સામે વિપક્ષનો વિરોધ

ભુજ નગરપાલિકા દ્વારા બાકી કરવેરા વસૂલવા માટે ઢોલ ત્રાંસા વગાડીને નાણાં ઉઘરાવવાની કામગીરી સામે વિપક્ષ આકરા પાણીએ છે. ભાજપ શાસિત ભુજ નગરપાલિકા વર્ષે ૧૦૦ કરોડના બજેટ છતાંયે ભુજ માં પાણી, ગટર, ગંદકી અને રસ્તાની કામગીરીમાં સદંતર નિષ્ફળ છે. ભાજપના બે જૂથ વચ્ચે રોજિંદા કામો પણ થતાં નથી. ત્યારે વેરા વસુલાત અંગે અકિલા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આપતાં જણાવ્યું છે કે, મોટા બાકીદારો પાસે ભલે પાલિકા ઢોલ ત્રાંસા વગાડે પણ જો સામાન્ય નાગરિકોના ઘર સામે પાલિકા ઢોલ ત્રાંસા વગાડશે તો વિપક્ષ તેનો આકરો વિરોધ કરશે. કોંગ્રેસ દ્વારા પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનના ઘર સામે ઢોલ ત્રાંસા વગાડી વળતો જવાબ આપશે. સામાન્ય નાગરિકોને અપીલ કરતાં રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, તેમના દ્યર સામે ઢોલ ત્રાંસા વગાડાય ત્યારે જો નાગરિકો કોંગ્રેસના નગરસેવકોને જાણ કરશે તો કોંગ્રેસ વેરા વસુલાત કરનાર અધિકારીઓના ઢોલ, ત્રાંસા જપ્ત કરવા કાયદેસર ફરિયાદ કરશે. ભુજ પાલિકાની કામગીરી મનસ્વી અને અયોગ્ય હોવાનું અને નાણા વસૂલવા સમયે થનાર વિરોધ અંગેની જવાબદારી ચીફ ઓફિસરની રહેશે એવું વિપક્ષી નેતાએ પોતાની અખબારી યાદીમાં જણાવ્યું છે.