ભુજમાં પરિવારની ભાવના પર વાર, માતાની અસ્થિ ભાઇના ઘરે લેવા જતાં બહેન, ભાણેજી, જમાઇ પર હુમલો

ભુજની ભાગોળે એરપોર્ટ રોડ પર આવેલા સરદાર પટેલનગરમાં ભાઇના ઘરે માતાની અસ્થિ લેવા થયેલા બહેન, ભાણેજી અને જમાઇ પર પિતા પુત્રોએ હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને જમાઇની કારના કાચ તોડી નાખતાં આરોપીઓ વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.ભુજના ઓધવવંદના સોસાયટીમાં રહેતા માલતીબેન હેંમતભાઇ જોષી (ઉ.વ.51)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, તેમની માતા ચંદ્રિકાબેનનું ગત 12 ફેબ્રુઆરીના રોજ મૃત્યું થયું હતું. છેલ્લા દસ વર્ષથી ફરિયાદી સાથે રહેતા હતા. જેથી ગુરુવારે માતાના અસ્થિ લેવા માટે સ્મશાને ગયા હતા ત્યારે જાણ થઇ હતી કે, માતાના અસ્થિ તેમના ભાઇ હરેશ નર્મદાશંકર જોષી રહે સરદારનગરવાળા લઇ ગયા છે. જેથી માતાના અસ્થિ હરેશભાઇના ઘરેથી લેવા માટે ફરિયાદી અને તેમની પુત્રી માનશી અને જમાઇ શ્રીકાંત રાજેશભાઇ શર્મા ત્રણેય જણાઓ હરેશભાઇના ઘરે ગયા હતા અને માતાના મૃત્યુને દસ દિવસ થતા હોઇ નારાયણ સરોવર ખાતે વિધિ કરવા જવાનું છે. તે માટે માતાના અસ્થિ આપો તેવું કહેતા હરેશભાઇ અને તેમનો પુત્ર વિમલે ચોખી ના પાડી દઇને ગાળા ગાળી કરી હતી અને ફરિયાદીની પુત્રી માનશી અને તેમના શ્રીકાંતભાઇને માર માર્યો હતો. એટલું જ નહિં મારી નાખવાની ધમકી આપીને જમાઇની કારના કાચ તોડી નાખી નૂકશાન કર્યું હતું. એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.