શીવરાત્રી મેળામાં અનેક ગુન્હામાં સંડોવાયેલ શખ્સો ઝડપાયા

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેકટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે.તાજેતરમાં મહા શિવરાત્રી મેળા બંદોબસ્ત દરમ્યાન ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરવા બાબતે શકમંદ આરોપી અમુભાઈ મસરીભાઈ પરમાર જાતે દલિત (ઉવ. ૪૦) રહે. વાડલા તા.માંગરોળ જિલ્લો જૂનાગઢ તથા આરોપી પીન્ટુ રમેશભાઈ મકવાણા જાતે દેવીપૂજક (ઉવ. ૨૦) રહે. આજી ડેમ ચોકડી, રાજકોટને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી.પકડાયેલ આરોપી અમુભાઈ મસરિભાઈ પરમાર તથા પીન્ટુ રમેશભાઈ મકવાણા જાતે દેવીપૂજકની પૂછપરછ કરતા, આ આરોપીએ ભૂતકાળમાં ગુન્હા કરેલા નથી, પોતે કયાંય પકડાયેલ નહિ હોવાની તેમજ પોલીસમાં પહેલીવાર જ પકડાયેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એસપી કચેરીના ટેકનિકલ સેલના પી.એસ.આઇ.અજિત નંદાણીયા, એ.એસ.આઇ. પ્રતીક મશરૃં, પો.કોન્સ. વિમલભાઈ ભાયાણી દ્વારા પકડાયેલ બંને આરોપીઓ અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા,આરોપી દ્વારા આચરવામાં આવેલા ગુન્હાની સંપૂર્ણ વિગતો મળી આવેલ હતી.