રતાડીયાના વિદ્યાર્થીઓ દ્વારા શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો

રતાડીયા,તા.૨૭: તાજેતરમાં રતાડીયાની સંજીવની ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળાના ધોરણ 10 તથા સર્વમંગલ પ્રાથમિક શાળાના ધોરણ 8 ના વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટી ડો.સુમિત્રભાઇ, સંજીવની વિદ્યાલયના આચાર્ય મહેશભાઇ શુકલ, સર્વમંગલ પ્રાથમિક શાળાના આચાર્યા હર્ષાબેન મ્યાત્રા તથા સ્થાનિક ક્રોમેની સ્ટીલ કંપનીના મેનેજર જયભાઇના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યો હતો.  વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ બેટી બચાવો બેટી પઢાવો, જળ એ જ જીવન, આતંકવાદ અને જવાનો, ચક દે ઇન્ડિયા જેવા વિવિધ દેશભક્તિ અને સામાજિક જાગૃતિને લગતા પ્રેરણાદાયી નૃત્ય – નાટકોએ વિદ્યાર્થી, વાલીઓ અને મહેમાનોના દિલ જીતી લીધા હતા. દેશભક્તિ અને શોર્યગીત સહિત અનેક કૃતિઓ ઉમંગ અને ઉત્સાહ સાથે રજૂ કરીને શાળા સંકુલમાં એક અલગ પ્રકારનો માહોલ ઉભો કરી મહાનુભાવો અને ગ્રામજનોની વાહવાહી મેળવનાર કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 

2020માં ધોરણ 8 અને 10 નો અભ્યાસ પુરો કરીને વિદાય લેતા વિદ્યાર્થીઓને ભવ્ય વિદાયમાનની સાથે આગામી સમયમાં આવનારી એસએસસી બોર્ડની પરીક્ષામાં તેઓ જવલંત સફળતા મેળવે એવી શુભેચ્છાઓ પાઠવવાની સાથે ઉપસ્થિત મહાનુભવોએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્યો આપીને  આવનારી પરીક્ષાઓ કોઈ પણ જાતના ડર કે ભય વગર આપવાની સોનેરી સલાહ આપી હતી. આ તકે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ વતી મંજુ ચાવડા, વિપુલ આહીર તથા રણજીતસિંહ જાડેજાએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ સાથે સર્વમંગલ પ્રાથમિક શાળામાંથી વિદાય લઈ રહેલા શિક્ષિકા ટવીન્કલબેન રમેશચંદ્ર સોલંકીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના જીજ્ઞેશ ભાડજા, જાગૃતિબેન રાયચુરા, કુલદીપસિંહ જાડેજા, લધુભાઈ મહેશ્વરી, નરેશભાઈ, સોહીન દેપારા, શીવાનીબેન સોલંકી તથા મીરાંબા જાડેજાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદુભાઇ ગોહેલ દ્વારા તથા આયોજન અને આભારવિધિ અશ્વિનભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.