દેશમાં અતિ દુર્લભ અને માત્ર રાજસ્થાન તેમ જ કચ્છમાં જોવા મળતાં ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ) પક્ષીના કમોતથી કચ્છના પક્ષીવિદોમાં શોકનો માહોલ ફાટી વળ્યો છે. જોકે, સાથે સુરખાબ (ફલેમિંગો) પક્ષીના પણ કમોતના સમાચાર મળતા અરેરાટી છવાઈ છે. પશ્ચિમ કચ્છ જિલ્લા વનવિભાગના ડીએફઓ અસારીના જણાવ્યાનુસાર નલિયા પાસે આવેલ ઘોરાડ સેન્ચુરીમાં એક ઘોરાડ પક્ષી મૃત મળી આવ્યું હતું. વનવિભાગના કર્મચારીઓએ નજીક જઈને જોતાં આ ઘોરાડ પક્ષીના ગળામાં કાચીંડો અટકેલો જોવા મળ્યો હતો. પ્રાથમિક રીતે કાચીંડો ખાવા જતાં તે ગળામાં ફસાઈ અકીલા જવાથી તેનું મોત નીપજયું હતું. જોકે, વિશ્વમાં અતિ દુર્લભ એવા ઘોરાડ પક્ષી કચ્છમાં માંડ ત્રણ જેટલા જ રહ્યા છે. તે પણ માદા જ છે. આમ લુપ્ત થતાં ઘોરાડ પક્ષીના મોતને પગલે અરેરાટી, શોકનો માહોલ છે. મૃતક ઘોરાડ પક્ષીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજસ્થાન મોકલાયો છે. બીજા બનાવમાં અબડાસા તાલુકાના હમીરપર ગામ પાસે ગેટકોના હાઈ ટેંશન વિજતારના સંપર્કમાં આવી જતાં સુરખાબ પક્ષીનું વિજશોકના કારણે અરેરાટીભર્યું મોત નીપજયું હતું. આથી અગાઉ પણ કચ્છના રણ વિસ્તારમાં હાઈ ટેંશન વીજ લાઈનો સુરખાબ પક્ષીઓનો ભોગ લઈ ચુકી છે. દુર્ભાગ્યે આ બન્ને ઘટનાઓ અબડાસાના નલિયા વિસ્તારમાં બની છે.