લખપત પાસે ૫૦૦૦ વર્ષ જૂના હડપ્પન કાળ પહેલાના અવશેષો મળ્યા

કચ્છ જિલ્લામાં લખપત નજીક આવેલા ખાટીયા ગામમાંથી પુરાતત્વ વિભાગને હડપ્પન કાળ પહેલા માનવ વસાહતના અવશેષો મળ્યા છે. પાછલા એક વર્ષથી ૨૫૦ જેટલા શબની દફનવીધી કરવાની જગ્યાએ ખોદકામ કરાયા બાદ પુરાતત્વ વિભાગને ૧૭ ફેબ્રુઆરીએ એક મહિલાના હાથનું હાડકું મળ્યું છે જેણે બંગડી પહેરેલી હતી.આ મહિલાના હાથમાં ૧૬ જેટલી બંગડીઓ છે, જે છીપલા–શંખમાંથી બનાવેલી છે, જે પરથી સ્પષ્ટ્ર થાય છે કે તેને નજીકના દરિયા કિનારે બનાવવામાં આવી શકાઈ હોય છે. ઉપરાંત આ પહેલા ખોદકામ દરમિયાન મળી આવેલું કબ્રસ્તાન નાના પથ્થરોથી બનાવેલું હતું, યારે હાલમાં મળેલું કબ્રસ્તાન મોટા પથ્થરોથી બનેલું હતું.આ કબ્રસ્તાન અંદાજે ૪૬૦૦થી ૫૦૦૦ વર્ષ જૂનું હોવાનું અંદાજ છે. પાછલા વર્ષે પુરાતત્વ વિભાગને આવા કબ્રસ્તાનમાંથી માણસનું હાડપિંજર મળી આવ્યું હતું. કબરમાંથી કેટલાક માટીના વાસણો પણ મળી આવ્યા હતા. કચ્છ યુનિવર્સિટીના આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના હેડ સુભાષ ભંડેરીએ કહ્યું, આ દર્શાવે છે કે તે સમયે મૃત વ્યકિત સાથે તેમની વસ્તુઓ દફનાવવાની પણ પરંપરા હશે. તેમણે ઉમેયુ કે, અમે આ કબર બનાવવા માટે ઉપયોગ કરાયેલા જુદા જુદા પથ્થરો પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.આર્કિયોલોજીકલ વિભાગ મુજબ આ કબરોની દિશા સૌથી મહત્વપૂર્ણ છે, પાછલા વર્ષે મળેલી કબરો અને ૧૦ દિવસ પહેલા મળેલી કબરથી તે સમયની સંસ્કૃતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. ભંડેરી કહે છે, પાછલા વર્ષે મળી આવેલી ૨૫ કબરોમાં માથાનો ભાગ પૂર્વ તરફ હતો. યારે હાલમાં મળેલી કબરમાંથી બે દક્ષિણ દિશામાં અને એક પૂર્વ–દક્ષિણ અને પશ્ચિમ દિશામાં છે. ઉલ્લેખનીય છે કે લખપત નજીક ચાલી રહેલું ઉત્ખનન કામ કચ્છ યુનિવર્સિટી, કેરળ યુનિવર્સિટી અને રાયનું પુરતત્વ વિભાગ સાથે મળીને કરી રહ્યું છે.