ટેકાના ભાવથી રાયડાની ખરીદ પ્રક્રિયામાં રાપર-ભચાઉ તાલુકાના ખેડૂતોને અન્યાય

રાજ્ય સરકાર દ્વારા હાલમાં લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝન અંતર્ગત રાયડાની ખરીદી માટે ઓનલાઈન નોંધણી ચાલુ છે. જો કે તેમાં રાપર-ભચાઉના ખેડૂતો માટે સ્થાનિક કેન્દ્ર ન આપીને અન્યાય કરાયો છે. ભુજ, માંડવી સહિતના એપીએમસી કેન્દ્રોને સમાવતા સ્થાનિક કિસાનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ અંગે ધારાસભ્ય દ્વારા જણાવાયું હતું કે, ૧૬ માર્ચ સુધી સરકારના પોર્ટલમાં ઓનલાઈન નોંધણી કરવા જાહેરાત કરાઈ છે. જેમાં ભુજ એપીએમસી તથા માંડવી એપીએમસી ખાતેના કેન્દ્રો સમાવાયા છે. જ્યારે કચ્છના છેવાડાના રાપર અને ભચાઉ તાલુકાના ખેડુતો પ્રત્યે ઓરમાયું વર્તન રાખી રાપર એપીએમસીનો સમાવેશ કરાયો નથી. જેથી અહીંના કિસાનોને ઓનલાઈન નોંધણી સહીત ટેકના ભાવે રાયડાના વેંચાણ પ્રક્રિયામાં ખુબ જ તકલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત કિસાનોને પરિવહન ખર્ચ પણ વધુ થાય છે માટે રાપર એપીએમસી ખાતે નોંધણી તથા ટેકાના ભાવે રાયડાની ખરીદીનું કેન્દ્ર અપાય તેવી માંગણી કરાઈ છે. સરકારના આ ભેદભાવભર્યા નિર્ણયથી સરહદી વિસ્તારના કિસાનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.