ભચાઉના ચોબારી પાસે મોમાયમોરા રોડ પર ધૂળેટીના દિવસે પુત્ર અને ભત્રીજાની નજર સામે આધેડ પર કાર ચડાવી દઇ મોતને ઘાટ ઉતારી દેવાયા હોવાની ઘટનાએ વાગડ પંથકમાં ચકચાર મચાવ્યો છે. આ ઘટનાથી પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી ગઇ હતી. હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.ધૂળેટીના દિવસે બપોરે દોઢ વાગ્યાના અરસામાં બનેલી આ ચકચારી ઘટના બાબતે મૃતકના ભત્રીજા ચંદુલાલ ભીખાભાઇ મેરિયાએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ પોતાના ઘરના દરવાજા પાસે ઉભા હતા અને તેમના 56 વર્ષીય કાકા મઘાભાઇ ખુમાણભાઇ મેરિયા અને તેનો પુત્ર હરેશ ઘરની બહાર રોડ પર ઉભા હતા ત્યારે બપોરે દોઢ વાગ્યે લાલ કલરની MH-01-PA-9740 નંબરની કારમાં આવેલા રમેશ ભુરા વરચંદ (આહીર) એ પૂરપાટ કાર ચલાવી ઇરાદા પુર્વક 56 વર્ષીય કાકા મઘાભાઇ ખુમાણભાઇ મેરિયા પર ચડાવી દેતાં તેમને મોઢા પર, કમરમાં તેમજ પગ ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી. બેભાન અવસ્થામાં તેમને ભચાઉ હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઇરાદા પુર્વક કાર ચડાવી હત્યા કરનાર રમેશ ભુરા વરચંદે ગાડી ચડાવતાં જાતિ અપમાનિત કરતા શબ્દો પણ કહ્યા હતા અને આ ઘટનાને અંજામ આપી કારને લોક કરી તે નાસી ગયો હતો. આ ચકચારી બનાવને લઇ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ચોબારી ધસી ગયો હતો, તો આ ઘટનાના પગલે મૃતકના પરિવાર સાથે સમાજ પણ એકઠો થઇ ગયો હતો. ભચાઉ પોલીસે હત્યા અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ ઘટનાથી મૃતકના પરિવારમાં માતમ છવાયો છેઆ ચકચારી બનાવમાં મૃતક મઘાભાઇના ભત્રીજા ચંદુલાલ મેરીયાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મૃતક મઘાભાઇ ખુમાણભાઇ મેરીયા ટ્રક ટેન્કરના ડ્રાઇવિંગનું છુટક કામ કરતા હતા અગાઉ ધંધા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી કાર ઇરાદા પુર્વક ચડાવી દલ તેમની હત્યા કરાઇ હોવાનું તેમણે જણાવ્યું છે.પરિવારનો સમાજ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ધસી ગયો હતો અને પોલીસ પણ પહોંચી હતી, પ્રાથમિક વિગતો મુજબ અકસ્માતમાં મોતનો ગુનો દાખલ થાય તેવી જાણ થતાં પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી તો સમાજે પણ આ બનાવમાં પોલીસ હત્યાનો ગુનો નોંધે તેવી માંગ કરી હતી આખરે પોલીસે હત્યાની તેમજ એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.ચોબારી-મોમાયમોરા રોડ પર ઘર પાસે ઉભેલા આધેડ પર ઇરાદા પૂર્વક કાર ચડાવી હત્યાના બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં લાલ કલરની કાર ચાલકે આગળ જઇ રહેલા ટ્રેક્ટરને ફુલ સ્પીડમાં ઓવરટેક કરી આધેડને ટક્કર મારી ટર્ન લે છે એ સ્પષ્ટ દેખાય છે.