૨૨ માર્ચ જનતા કરફયુ દરમ્યાન કચ્છ સ્વયંભુરીતે સજ્જડ બંધ રહ્યું હતું. બે દાયકા પહેલા આવેલા ભૂકંપ સમયની જેમ જ કચ્છ ભેંકાર ભાસતું હતું. કચ્છના દસે દસ તાલુકા મથકો સહિત નાના મોટા ગામડાઓ પણ જનતા કરફયુમાં જોડાઈને સજ્જડપણે બંધ રહ્યા હતા. તો, ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા દરમ્યાન લોકોએ થાળીનાદ અને તાળીઓ સાથે કોરોના દરમ્યાન સેવા કરનારાઓને વધાવી નરેન્દ્રભાઈની હાકલને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો. કચ્છમાં ૧૦૨ વર્ષના વૃદ્ઘા રાણીબેન આહીર, સ્વામિનારાયણ મંદિરના સંતો, પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડા સહિત હજારો લોકોએ થાળીનાદ અને તાળીઓ વગાડી કોરોનાની મહામારી વચ્ચે કામ કરી રહેલા તબીબો, નર્સ સહિતના પેરામેડીકલ સ્ટાફ, વહિવટી તંત્ર, પોલીસ અને મીડીયા કર્મીઓની કામગીરીને વધાવી લીધી હતી.