અજાણી મહિલા મૃત હાલતમાં મળી આવી

છેલ્લા ૧૪ વર્ષથી જયુબિલી ગ્રાઉન્ડના એક છેડાને પોતાનું આશ્રય સ્થાન બનાવી રહેતી મહિલાએ ઇન્દીરાબાઇ પાર્ક પાસે પોતાનાં પ્રાણ છોડયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી સવારે સુરેશભાઇ માહેશ્વરી તથા સાંજે રમેશભાઇ માહેશ્વરી તેને દરરોજ બે ટાઇમ ભોજન કરાવતા હતા. દર ત્રણ મહિને માનવજ્યોત સંસ્થા દ્વારા તેને નવા કપડા સીવડાવીને આપવામાં આવતા. અત્યારના કોરોના વાયરસ સંકટ સમયે માનવજ્યોતનાં પ્રબોધ મુનવર સવારે જયારે રફીક બાવા તેને સાંજે જમાડતા. આજે બપોરે ઇન્દીરાબાઇ પાર્ક પાસેથી તે મૃત હાલતમાં મળી આવી હતી. વોર્ડ નં. ૨ નાં કાઉન્સીલર કાસમભાઇ કુંભાર તથા જાગૃત નાગરિકોએ ‘બી, ડિવિઝન પોલીસ સ્ટેશન તથા માનવજ્યોત ને જાણ કરતાં સંસ્થાએ એમ્બ્યુલન્સ મારફતે મહિલાની લાસને જનરલ હોસ્પીટલે પહોંચાડી હતી. ‘બી, ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.