કચ્છમાં એક જ દિ’માં કોરોનાની ફરી એન્ટ્રી, મુંબઈથી મુંદ્રા આવેલ ક્રુ-મેમ્બર પોઝિટિવ!

ચ્છ કોરોના મુક્ત થયાની ખુશી પર પાણી ફરી વળ્યું છે. ગઈકાલે જ મુખ્યમંત્રીએ ફોન કરીને કચ્છના તંત્રને અભિનંદન આપ્યા હતા. પરંતુ આજે જ નવો કેસ નોંધાતા તંત્ર ફરી દોડતું થયું છે. તો બીજીતરફ બારાતું વ્યકિત થકી કચ્છમાં કોરોનાની રી- એન્ટ્રી થતાં લોકોએ લીધેલો રાહતનો દમ ભયમાં રૃપાંતરિત થયો છે. હાલે વહીવટીતંત્ર દ્વારા જિલ્લા બહારાથી લોકોને કચ્છમાં આવવાની મંજુરી અપાઈ રહી છે, જે કચ્છને રેડઝોનમાં લઈ જશે તેવી દહેશત ઉભી થઈ છે.મળતી માહિતી મુજબ ગઈકાલે મુંબઈથી બાયરોડ મુંદ્રા પોર્ટ આવેલો એક ખાનગી શીપનો ક્રુ મેમ્બર કોરોનો સંક્રમણનો શિકાર બન્યો છે. મુંબઈના ભાંડુપ વેસ્ટનો રહેવાસી આ ૨૫ વર્ષીય યુવાન મુંદરામાં અદાણી હોસ્પિટલની સામે આવેલી હોટલ બીટલ ખાતે કંપની તરફથી ઉતર્યો હતો. મુંદરાથી રવાની થનારી શીપમાં તે જવાનો હતો પરંતુ શીપમાં ચડતા પહેલા નિયમ મુજબ શીપીંગ એજન્સી દ્વારા તમામ ક્રુ મેમ્બરના કરાયેલા ખાનગી લેબના ટેસ્ટમાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવતા સંચાલકોએ તેની જાણ કચ્છના આરોગ્ય તંત્રને કરી હતી. જેના પગલે રાહતનો શ્વાસ લીધેલ આરોગ્ય તંત્ર ફરી દોડતું થયું છે. વિગતો મુજબ સુશીલ કુમાર નામનો આ યુવાન ગાંધીધામના ડ્રાઈવરની ગાડીમાં મુંબઈથી મુંદરા આવ્યો હતો. આ યુવક સાથે અન્ય ચાર ક્રુ મેમ્બરના નમુના પણ લેવાયા હતા જો કે તે નેગેટીવ આવ્યા છે. હાલે આ ડ્રાઈવરને ગાંધીધામ ખાતેના આઈસોલેશન વોર્ડમાં ખસેડાયો છે. તથા આ ડ્રાઈવરના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરેન્ટાઈન કરવા સાથે તેઓના નમુના લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મુંબઈના રહેવાસીના કચ્છ આગમન બાદ ફરી કોરોનાનું સંક્રમણ અહીં પગ જમાવે તેવી દહેશત ઉભી થઈ છે. હાલે કચ્છના વહીવટીતંત્ર દ્વારા જિલ્લા બહારના બારાતુ શ્રમિકોને આવવાની મંજુરી આપવામાં આવી રહી છે ત્યારે બહારની હિસ્ટ્રી ધરાવતા લોકો કચ્છને ગ્રીન ઝોનમાંથી રેડ ઝોનમાં લઈ જશે તેવું હાલની ઘટના પરથી ફલિત થાય છે. વધુ એક કેસ સાથે કચ્છમાં સત્તાવાર રીતે કોરોના પોઝિટિવનો સાતમો કેસ નોંધાયો હોવાનું તંત્રએ જણાવ્યું છે.