ભારતના લેજન્ડરી ફૂટબોલર ચુની ગોસ્વામીનું ૮૨ વર્ષની વયે હૃદયરોગના હૂમલાના કારણે અવસાન થયું હતુ. ચુની ગોસ્વામી ઈ.સ. ૧૯૬૨માં એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ફૂટબોલ ટીમમાં સામેલ હતા. બહુમુખી રમતવીર તરીકેની ઓળખ ધરાવતા ગોસ્વામી પ્રથમ કક્ષાના ક્રિકેટર પર રહી ચૂક્યા હતા. તેઓએ કોલકાતાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ તેમની પાછળ પત્ની બંસતી અને પુત્ર સુદિપ્તોને વિલાપ કરતો છોડી ગયા છે. ગોસ્વામી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય અંગેની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. તેઓને શુગર, પ્રોસ્ટેટ અને ચેતાતંત્રની સમસ્યા સતાવી રહી હતી. વિભાજન પૂર્વેના બંગાળ (હાલના બાંગ્લાદેશ)માં આવેલા કિશોરેગંજ જિલ્લામાં જન્મેલા ચુની ગોસ્વામીનું ખરુ નામ સુબીમલ હતુ. જોકે તેઓ તેમના હૂલામણા નામથી જ લોકપ્રિય બન્યા હતા. તેઓ ઈ.સ. ૧૯૫૬ થી લઈને ૧૯૬૪ સુધી કુલ ૫૦ આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા હતા. ઈ.સ. ૧૯૬૦ના રોમ ઓલિમ્પિકમાં ભાગ લેનારી ભારતીય ટીમમાં પણ તેમનો સમાવેશ થતો હતો.એશિયન ગેમ્સમાં ભારતે ૧૯૬૨માં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે તેઓ ટીમમાં સામેલ હતા. આ પછી ઈ.સ. ૧૯૬૪માં ઈઝરાઈલમાં રમાયેલા એશિયા કપમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટીમમાં પણ તેઓ સામેલ હતા. ભારત ત્યાર બાદ ક્યારેય એશિયન ગેમ્સ કે એશિયા કપમાં આટલી ઉંચાઈએ પહોંચી શક્યું નથી. તેઓ બંગાળ તરફથી ૪૬ ફર્સ્ટ ક્લાસ મેચો પણ રમ્યા હતા.ભારતના ગોલ્ડન એરાની આક્રમણ પંકિતમાં ગોસ્વામી, તાજેતરમાં અવસાન પમાનારા પી.કે. બેનર્જી અને તુલસીદાસ બાલારામની ત્રિપુટીની બોલબાલા હતી.ઈ.સ. ૧૯૬૨માં તેઓ એશિયાના બેસ્ટ સ્ટ્રાઈકર જાહેર થયા હતા.