મુખ્યમંત્રીશ્રીએ ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને પત્ર પાઠવ્યો :- અમદાવાદમાં કોરોનાના સંક્રમણ સામે સંક્રમિતોની સારામાં સારી સારવાર થાય તે માટે સિવિલ હોસ્પિટલના તબીબોનું માર્ગદર્શન કરવા દેશના નામાંકિત અને શ્રેષ્ઠ ત્રણ તબીબોને સ્પેશ્યલ વિઝીટ માટે અમદાવાદ મોકલવા અનુરોધ
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સામે આક્રમકતાથી રણનીતિ અંગે તાકીદની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આપ્યું માર્ગદર્શન નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ શહેરના નામાંકિત તબીબો-મેડિકલ એકસપર્ટ સાથે બેઠક યોજાઇઅમદાવાદ શહેરના પ્રખ્યાત ખાનગી તબીબો સરકારની વિનંતીને પગલે સિવીલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિતોની સારવારમાં આજથી સહભાગી બન્યામુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહને પત્ર પાઠવીને અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણને ગંભીરતાથી લઇને મેડીસિટી કેમ્પસમાં આવેલી સિવીલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની કોવિડ-19 હોસ્પિટલમાં હાલ જેઓ સારવાર લઇ રહ્યા છે તે બધા સહિત કોરોના સંક્રમિતોની વધુ સારી સારવાર થઇ શકે અને આ સંક્રમિતોની સારવાર કરી રહેલા તબીબો-મેડિકલ ટીમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ભારતના ખ્યાતનામ – શ્રેષ્ઠ ત્રણ તબીબોને સ્પેશીયલ વિઝીટ માટે મોકલવાનો અનુરોધ કર્યો છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી સાથે આ સંદર્ભે ફોન દ્વારા વિગતે વાતચીત કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ આ ત્રણ શ્રેષ્ઠ તબીબોમાં કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં જેમની અગ્રણી ભૂમિકા છે અને એઇમ્સ નવી દિલ્હીના જેઓ સિનિયર ડાયરેકટર છે તેવા ડૉ. રણદીપ ગુલેરિયા, દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના લીડીંગ પલમેનોલોજીસ્ટ ડૉ. રોહિત પંડિતને અમદાવાદની આ ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ જે ખૂબ જ ટૂંકાગાળામાં કાર્યરત કરવામાં આવી છે તેમાં સેવારત મેડીકલ ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં મદદરૂપ થવા ખાસ વિઝીટ માટે મોકલવા ગૃહ મંત્રીશ્રીને આ પત્રમાં વિનંતી કરી છે.આ શ્રેષ્ઠ તબીબોનું ઝિણવટભર્યુ માર્ગદર્શન કોવિડ-૧૯ હોસ્પિટલોના તબીબોને મળવાથી સંક્રમિતોની સારવાર વધુ સઘનતાથી થઇ શકશે અને દર્દીઓ ઝડપથી સાજા થઇ પોતાના ઘરે જઇ શકશે, રિકવરી રેટમાં વધારો થાય અને મૃત્યુ-દર પણ ઘટાડી શકાય તે દિશામાં રાજ્ય સરકાર તેમના માર્ગદર્શનમાં સંપૂર્ણ કટિબદ્ધતાથી આગળ વધશે. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણ સામે આક્રમકતાથી રણનીતિ ઘડીને સર્વેલન્સ, સારવાર વ્યવસ્થાઓ સઘન બનાવવા અગ્રતા આપી છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ સિવીલ હોસ્પિટલ કેમ્પસની ૧ર૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર-સુશ્રુષા સહિતની અન્ય વ્યવસ્થાઓની ચર્ચા-વિચારણા માટે તાકીદની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજી હતી. તેમણે અમદાવાદની આ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર વધુ સારી, ઉત્તમ રીતે થાય અને તેમને આરોગ્ય સહિતની બધી સુવિધાઓ નિયમીત યોગ્ય રીતે મળે તેવી જરૂરી સૂચનાઓ આ બેઠકમાં આપી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન તેમજ કોવિડ-19ના રાજ્યસ્તરીય સંકલન માટેના વિશેષ અધિકારી શ્રી પંકજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થઇને પોતાના ઘરે જાય, રિકવરી રેટમાં વધારો થાય તેમજ મૃત્યુ-દર ઘટાડી શકાય તે માટે અમદાવાદના ખ્યાતનામ ખાનગી તબીબોની સેવાઓ લઇને પણ સારવાર વ્યવસ્થા સુદ્રઢ બનાવવા જણાવ્યું હતું. રાજ્ય સરકારે આ માટે પ્રતિષ્ઠિત ખાનગી તબીબોને કરેલી વિનંતીને પગલે અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત તબીબો ડૉ. તુષાર પટેલ, ડૉ. જિગર મહેતા, ડૉ. ગોપાલ અને ડૉ. અમરિષ સિવિલ હોસ્પિટલ પહોચીને દર્દીઓની તપાસ-સારવારમાં સિવિલ હોસ્પિટલના તબીબો આજથી સહભાગી થયા છે.મુખ્યમંત્રીશ્રીએ આ તબીબોની સેવાઓને બિરદાવતા જણાવ્યું કે અમદાવાદમાં કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં સંક્રમિતોની ઉત્તમ સારવાર સુવિધા અને ઝડપથી સાજા થવામાં આ ખાનગી તબીબોનું યોગદાન ઉલ્લેખનીય રહેશે.શ્રી વિજયભાઇ રૂપાણીની આ મહત્વપૂર્ણ તાકિદની બેઠકને પગલે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કોવિડ-19ના રાજ્યસ્તરના વિશેષ સંકલન માટે અધિક સચિવ શ્રી પંકજકુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદ સિવીલ હોસ્પિટલની મુલાકાત લઇને વ્યવસ્થાઓનું નિરીક્ષણ અને સમીક્ષા કર્યા હતા તથા અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને વધતું અટકાવવાની ભાવિ રણનીતિ અંગે શહેરના પ્રતિષ્ઠિત મેડિકલ એકસપર્ટ સાથે વિગતે પરામર્શ કર્યો હતો.