અમદાવાદથી જામનગર પહોચેલા પરિવારને ઘરના સામાન સાથે જ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરી દેવાયો

3e8c41acf282018e5a40280e57d8b27d

અમદાવાદથી જામનગર પહોચેલા પરિવારને ઘરના સામાન સાથે જ સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. પરિવારને ધ્રોલ ચેકપોસ્ટ પાસે જ રોકવામાં આવ્યો અને તેમને સીધા જ કવોરન્ટીન કરી દેવામાં આવ્યા. કલેકટરે સૂચના આપી છે કે જે પણ લોકો બહારથી હિજરત કરીને આવશે તેમને શહેરમાં પ્રવેશ આપવામાં નહી આવે અને પરિવાર હિજરત કરીને આવ્યો હતો. જેથી તેને ક્વોરન્ટીન કરવામાં આવ્યો. ઉલ્લેખનિય છે કે જામનગરની તમામ સરકારી અને અર્ધ સરકારી શાળાઓને ક્વોરન્ટીન સેન્ટર તરીકે કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવી છે.અમદાવાદ ખાતે ફરજ નીભાવી રહેલા જામનગરના 12 એસઆરપી જવાનોને ગત 2 તારીખે જામનગર ચેલા કેમ્પ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તે કેમ્પમાંથી એક 56 વર્ષીય જવાનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના પગલે તે તમામ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. સાથે જ કેમ્પની આસપાસ રહેતા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે. અને ત્યાથી અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. અને કેમ્પમાં રહેલા તમામ જવાનોને ત્યાજ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે.લોકડાઉન દરમ્યાન જામનગરમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને ટ્રેન મારફતે તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. જામનગરથી બિહારના મુઝફ્ફરનગર સુધી શ્રમિકો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. બુધવારે 1 હજાર 200 શ્રમિકોને યુપી રવાના કર્યા બાદ હવે બિહારના શ્રમિકોને પણ ટ્રેન મારફતે રવાના કરવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલા શ્રમિકોને તેમના ઘરેથી બસ મારફતે રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા.જો કે પરપ્રાંતિય શ્રમિકો પાસેથી ટિકિટ પેટે 1 હજાર 800 રૂપિયા લેવામાં આવતા શ્રમિકોમાં નારાજગી જોવા મળી રહી છે. શ્રમિકોને હાલ ખાવા-પીવાના પણ ફાંફાં પડી રહ્યા છે તેવા સંજોગોમાં તેમની પાસેથી ટ્રેનનું ભાડું વસુલવામાં આવતા શ્રમિકોને જાણે કે પડ્યા પર પાટું વાગ્યું છે.