કચ્છમાં કામ કરતા પરપ્રાંતીય કામદારો પૈકીઘણાની ધીરજ ખૂટી રહી છે તોઘણાની સ્થિતિ કફોડી છે. પરિણામે તંત્રની સમજાવટ છતાંયે કામદારો વતન જવા માટે ત્રાગા કરીને ધમકી આપી રહ્યા છે. પૂર્વ કચ્છમાં ભીમાસર ગામે એક જ ઓરડીમાં રહેતા ૨૧ કામદારોએ સોશ્યલ મીડીયામાં ઝારખંડના મુખ્યમંત્રીને ઉદેશી પોતાને વતન પહોંચાડવાની માંગ કરી છે, નહીં તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. આ ૨૧ કામદારોએ પોતે પગપાળા નીકળ્યા હોવાનું જણાવીને કહ્યું છે કે, અમને પ્રશાસને પાછા વાળી દીધા. પણ, હવે અમારી પાસે રાશનપાણી ખૂટી ગયા છે. તો, બીજી બાજુ અબડાસા તાલુકામાં આવેલ સાંધી સિમેન્ટ કંપનીના પ્લાન્ટ સાંધીપુરમમાં કામદારોએ ફરી વતનમાં જવા ગઈકાલે ડખ્ખો કર્યો હતો. પરપ્રાંતીય શ્રમજીવી મજૂરોએ રસ્તો રોકીને પોતાને વતન પહોંચાડવા માટે જિદ પકડી હતી. જોકે, આ વખતે દેખાવો શાંતિપૂર્ણ હતા. પણ, વતન જવાના મુદ્દે હમણાં જ થોડો સમય પહેલાં અહીં લેબરકોલોનીમાં મજૂરોના બે જૂથો સામસામે આવી ગયા હતા, જેમાં થયેલા ધીંગાણામાં ચાર મજૂરોને ઈજાઓ પણ થઈ હતી.ઙ્ગ જોકે, તંત્ર દ્વારા કામદારો સાથે સમજાવટ કરાઈ રહી હોવા છતાંયે કોરોનાના ભય તેમ જ અન્ય રાજયોમાંથી હમવતનીઓનું વતન ભણી પ્રયાણ કરવાના સમાચારોને પગલે તેઓ ફરી ઘેર પહોંચવાની માંગણી સાથે ત્રાગા કરવા ઉપર આવી જાય છે.