ધોરણ 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ: માત્ર 44 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ : સૌથી ઊંચા પરિણામમાં આ વર્ષે પણ રાજકોટ અને ધ્રોલનો દબદબો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વેબસાઇટ પર પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવેલ છે. વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 71.34 ટકા આવ્યું છે અને માત્ર 44 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે. ગયા વર્ષના પરિણામમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 254 હતી.મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં પેપર જોવાની અનેક સમસ્યાઓ અને લોકડાઉન જેવા વિપરીત સમયગાળામાં પણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નિયત સમય કરતાં વહેલું જાહેર કર્યું છે. બોર્ડની પરીક્ષામાં કુલ 143 278 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તે પૈકી 142 117 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી કુલ 71.34 ટકા પરિણામ આવ્યું છે જે ગયા વર્ષના પરિણામ કરતા પોણા ટકા જેટલું ઓછું છે. વિદ્યાર્થીઓનું પરિણામ 71.69 ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 70.85 ટકા આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું 74.02 અને ગુજરાતી માધ્યમ 70.77 ટકા પરિણામ આવ્યું છે2019 ના પરિણામમાં રાજકોટ જિલ્લાનું પરિણામ સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું હતું અને રાજકોટે આ વર્ષે પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 74.89 ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં ટોચ પર છે. અને તેવી જ રીતે ધ્રોલ સેન્ટર ગયા વર્ષે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચા પરિણામ સાથે ટોચ પર હતું. આ વખતે પણ 91.42% પરિણામ સાથે ધ્રોલ કેન્દ્ર રાજ્યમાં સૌથી ટોચ પર છે.આજે જાહેર કરાયેલા પરિણામમાં 36 શાળાઓ એવી છે કે જેના તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. ગયા વર્ષે આવી શાળાઓની સંખ્યા 35 હતી. માત્ર 10 ટકા કે તેથી ઓછું પરિણામ આવ્યું હોય તેવી શાળાઓની સંખ્યા ગયા વખતે 49 અને આ વખતે 68 છે.ગ્રુપ મુજબ પરિણામની ટકાવારી જોઈએ તો એ ગ્રુપનું 76.62%, બી ગ્રુપનું 68 21% અને એ બી ગ્રુપનું 68 ટકા પરિણામ આવ્યું છે.