કેરા ખુદવડાપ્રધાને આશરો આપ્યો હતો કે, મજદૂરોના વેતન નહીં કપાય પરંતુ ગજોડ સ્થિત સુમિટોમો કે જેની અગાઉ એક્સેલ તરીકે ઓળખ હતી એ કેમિકલ કંપનીના ત્રિમાસિક કરારાધારિત હંગામી કર્મીઓના પગાર મામલે વિવાદ થતાં સોમવારે સવારે પોલીસ બોલાવાઈ હતી. જો કે, કંપનીએ કહ્યું કે, કાયમી કર્મચારીઓને પગાર ચૂકવી દેવાયો છે. મજદૂરો કલેક્ટરને આવેદન આપવા તૈયારી કરી રહ્યા છે. એક્સેલ ક્રોપ કેર લિમિટેડ હવે સુમિટોમો કેમિકલ કંપની તરીકે ઓળખાય છે, જે કેરા-મુંદરા માર્ગે ગજોડ સેજામાં આવેલી છે. આ કંપની પાસે અંદાજિત 175 કર્મચારીઓ ત્રણ માસના કરારવાળા છે. તેઓ ત્રણ માસ સળંગ કામ કર્યા પછી એક માસ કે તેથી વધુ સમય છૂટા થાય છે. આ કર્મચારીઓ પૈકી લોકડાઉન જાહેર થયું ત્યારે સળંગ (રનિંગ) હતા, તેઓ પોતાનો પગાર ન કાપવા બાબતે રજૂઆત કરવા સોમવારે કંપની પરિસરમાં ભેગા થયા હતા. તેમની માગણી સંદર્ભે કંપનીના એરિયા મેનેજર નિખિલભાઈ જોશીનો સંપર્ક કરતાં તેમણે કચ્છમિત્રને જણાવ્યું કે, અમે અમારા નિયમિત કર્મીઓનો પગાર કાપ્યો નથી, ચૂકવી દીધો છે. જ્યારે વિરોધ કરી રહેલા આ મજદૂરો બળુભા પ્રેમસંગજી જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, કનુભા જાડેજા (રામાણિયા) અને હર્ષદગિરિ ગોસ્વામી નામના ઠેકેદારોના છે. કચ્છમિત્રે ઠેકેદારો પૈકી બળુભાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું, અમે પગાર ન કાપવા બાબતની દરખાસ્ત મુંબઈ હેડ ઓફિસને મોકલી આપી છે. મંજૂર થયે પગાર ચૂકવી દેવાશે, કંપની અને અમે મજદૂરોના હિતમાં છીએ. દરમ્યાન કંપની વર્તુળોમાંથી એવો પણ સૂર ઉઠયો કે, નવી ગાઈડલાઈન મુજબ આવા હંગામી કર્મચારીઓને પગાર ચૂકવવો ફરજિયાત નથી. આ સંદર્ભે મજદૂરો કલેક્ટર પાસે રજૂઆત કરવાના હોવાનું જાણવા મળ્યું હતું. વિવાદ વધુ વકરે તો સલામતી માટે કંપનીએ પોલીસ કૂમક પણ બોલાવી હતી. આ મજદૂરોને નોકરી જવાની બીક લાગી રહી છે.